શા માટે હોળીમાં ધાણી, ખજૂર અને દાળીયા ખાવામાં આવે છે? જાણો કારણ

ફાગણ મહિનાની પૂનમના દિવસે હોળીનો તહેવાર આવે છે. આ દરમિયાન કેટલીક વસ્તુઓને પ્રસાદ તરીકે હોળી માતાને અર્પણ કરવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

વડોદરા: હોળી એટલે રંગોનો તહેવાર. આ તહેવારને અધર્મ પર ધર્મના વિજયની યાદના ભાગરૂપે સંધ્યાકાળે હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો હોળીની પૂજા કરે છે તથા આખું વર્ષ તેમના પરિવારજનોનું સ્વાસ્થ્ય સારું રહે એવી પ્રાર્થના કરે છે.  આ પૂજા પૂરી થયા બાદ દાળિયા, ધાણી અને ખજૂરનો પ્રસાદ આપવામાં આવે છે. આ ત્રણેય વસ્તુઓનું એકસાથે સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે. કારણ કે આ ત્રણ ખાદ્યપદાર્થો આયુર્વેદિક રીતે ફાયદાકારક છે.

હોળી દરમિયાન ખાવામાં આવતા પ્રસાદનું મહત્વ

આર્યુવેદના નિષ્ણાત વૈદ્ય ડો. શેફાલી પંડ્યાએ જણાવ્યું કે,  હાલ વસંત ઋતુનો સમય ચાલી રહ્યો છે. જેમાં શરદી અને કફને લગતી બીમારીઓ જોવા મળે છે. તેથી આ ઋતુમાં એવી વસ્તુઓનું સેવન કરવું જોઇએ જેનાથી કફમાં ઘટાડો થાય. આ ઉપરાંત શેકીને ખાઈ શકાય તથા સુપાચ્ય હોય એવી વસ્તુઓ ખાવી જોઈએ. ધાણી, ચણા, ખજૂર, ચોખાની શેકેલી પાપડી, મમરા‌ જેવી વસ્તુઓ શરીરમાં જામેલા કફને ઘટાડે છે.

હોળી દરમિયાન શું ન ખાવું જોઈએ

ખજૂરમાં મીઠાશ રહેલી છે, તે સ્વભાવે ઠંડી પણ હોય છે. જે શરીરને બળ આપી વજન વધારવામાં મદદ કરે છે. આ ઋતુમાં મીઠાશથી ભરેલા સુપાચ્ય ડ્રાયફ્રુટ્સ ગ્રહણ કરી શકાય છે. પરંતુ એની સામે ખીર કે શિરો ખાવો જોઈએ નહીં. આ સિવાય અત્યારે ફાસ્ટ ફૂડનું સેવન પણ ટાળવું જોઈએ. કારણ કે તે જલ્દી પચશે નહીં. જેથી તે શરીરમાં કફ પેદા કરશે અને પાચનતંત્ર પણ બગડશે. તેથી હોલીકા દહન પહેલા આવી કોઈ પણ પ્રકારની વસ્તુ ખાવી જોઈએ નહીં

હોલીકા દહન બાદ ધાણી, ચણા અને ખજૂર આપવામાં આવતું હોય છે. જેમાં ધાણી અને ચણા શરીરમાં વાયુનું પ્રમાણ વધારે છે તથા તે ખાવામાં સુપાચ્ય છે. બીજી બાજુ ખજુર શરીરને ઠંડક આપે છે. તેથી ધાણી, ચણા અને ખજૂર આ ત્રણેયનું મિશ્રણ શરીરને શક્તિ આપીને મન પ્રસન્ન થશે રાખે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.