હોળી બાદ હવે આકરી ગરમી માટે તૈયાર રહેવું પડશે, રાજકોટમાં બે દિવસ હીટવેવ રહેવાની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં મધ્ય સૌરાષ્ટ્રમાં આવેલા રાજકોટમાં 2 દિવસ માટે હીટવેવની ચેતવણી આપવામાં આવી છે.

અમદાવાદઃ ગુજરાતમાં આકરી ગરમી પડવાની શરુઆત થઈ ચૂકી છે, તાપમાનનો પારો 40 સુધી પહોંચી ગયો છે અને આગામી દિવસોમાં તે 40ને પણ પાર કરે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, હવે આગામી દિવસોમાં પણ ગરમીનો પારો વધવાની સાથે હીટવેવની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 24મીએ જાહેર કરવામાં આવેલા હવામાનમાં રાજ્યમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને સૌથી નીચું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

હવામાન વિભાગે તારીખ 26 અને 27 માર્ચ દરમિયાન હીટવેવની સંભાવનાઓ વ્યક્ત કરીને ચેતવણી આપી છે, જેમાં મધ્ય સૌરાષ્ટ્રમાં આવતા રાજકોટનો સમાવેશ થાય છે, હીટવેવની અસરોથી બચવા માટે સાવધાની રાખવાની સલાહ પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

જેમાં સામાન્ય વ્યક્તિ હીટવેવ દરમિયાન ગરમીને સહન કરી શકે છે પરંતુ જેઓને સ્વાસ્થ્યને લગતી તકલીફો હોય, વૃદ્ધ તથા નાના બાળકો હોય તેમની કાળજી લેવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે તેઓને હીટવેવના દિવસો દરમિયાન સીધા તડકાના સંપર્કથી બચવું જોઈએ. આ સાથે ગરમીથી બચવા માટે હળવા રંગના સૂતરાઉ કપડાં પહેરવા જોઈએ અને તડકાથી બચવા માટે માથું ઢાંકેલું રાખવું જોઈએ.

25મી માર્ચે કરવામાં આવેલી ગુજરાતના હવામાનની આગાહીમાં ગાંધીનગર, વડોદરા અને રાજકોટ 39 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યા હતા. આવામાં અમદાવાદમાં 1 ડિગ્રી ઓછું એટલે કે 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

સૌથી નીચું લઘુત્તમ તાપમાન રાજ્યમાં 19 ડિગ્રી સેલ્સિયસ મહુવા તથા વલસાડમાં નોંધાયું હતું. દિવસની સાથે હવે રાતના તાપમાનમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. એટલે કે રાત્રે પણ ગરમીનો અહેસાસ બંધ જગ્યાઓ પર થવા લાગ્યો છે.

અંબાલાલ પટેલે હોળી બાદ જે વરતારો કર્યો હતો તેમાં પણ આકરી ગરમી પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે, તેમણે જણાવ્યું છે કે, 26 એપ્રિલ પછી ભારે ગરમી પડવાની સંભાવનાઓ છે, આકરા ઉનાળાની સંભાવનાઓ વ્યક્ત કરીને અંબાલાલે રાજસ્થાનમાં ઉનાળા દરમિયાન મહત્તમ તાપમાનનો પારો 49 ડિગ્રી સેલ્સિયસ જવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.