ખૂબ જ કામનું / રેપો રેટ વધતા એજ્યુકેશન અને પર્સનલ લોન પર કેવી અસર થશે? શું હવે વધારે EMI ચુકવવી પડશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટીએ 30 સપ્ટેમ્બરે રેપો રેટમાં 0.5 ટકાનો વધારો કરીને 5.9 ટકા કર્યો છે

News Detail

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટીએ 30 સપ્ટેમ્બરે રેપો રેટમાં 0.5 ટકાનો વધારો કરીને 5.9 ટકા કર્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં રેપો રેટમાં સતત ચોથી વખત વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ઓગસ્ટમાં રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો અને વ્યાજ દર 4.90 ટકાથી વધારીને 5.40 ટકા કરવામાં આવ્યો હતો. રેપો રેટમાં વધારાની સીધી અસર સામાન્ય લોકો પર પડશે. બેંકો પણ તેમના વ્યાજદરમાં વધારો કરશે. તેનાથી બેંકમાંથી લોન મોંઘી થશે.

સૌથી પહેલા જાણીએ રેપો રેટ શું છે? રેપો રેટ એ દર છે કે જેના પર રિઝર્વ બેંક દેશની અન્ય સરકારી અને ખાનગી બેંકો ઉપરાંત નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓને ફંડ પૂરું પાડે છે. તે બધા રેપો રેટ મુજબ રિઝર્વ બેંકને વ્યાજ સાથે લોન પરત કરે છે. રેપો રેટ વધારવાની સીધી અસર સામાન્ય માણસ પર પડે છે. જેના કારણે બેંકમાંથી લોન મોંઘી થાય છે. એટલે કે હવે પહેલા કરતા વધુ વ્યાજ ચૂકવવું પડશે. અહીં જાણો રેપો રેટ વધારવાથી એજ્યુકેશન અને પર્સનલ લોન પર શું થશે અસર?

એજ્યુકેશન લોન પર કેવી અસર પડશે? 

જ્યારે તમે તમારા કોલેજ શિક્ષણ માટે બેંક અથવા ફાઇનાન્સ કંપની પાસેથી લોન લો છો તેને એજ્યુકેશન લોન કહેવાય છે. આ ફ્લોટિંગ રેટ રિટેલ લોનના સ્વરૂપમાં મંજૂર કરવામાં આવે છે, જે એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે જોડાયેલ હોય છે. એટલે કે કોર્સ, સિવિલ સ્કોર જેવા કારણોને લીધે બેંક તરફથી લોનનો વ્યાજ દર ઓછો કે વધારો હોઈ શકે છે. મોટાભાગની બેંકો માટે આ એક્સટર્નલ બેન્ચમાર્ક રેપો રેટ છે. RBI દ્વારા તાજેતરના કેટલાક રેપો રેટમાં વધારો એજ્યુકેશન લોનને સીધી રીતે મોંઘી બનાવશે. રેપો રેટમાં 0.50 ટકાનો વધારો થયો હોવાથી હવે લોન લેવી પણ એટલી જ મોંઘી થશે. આ સિવાય પહેલાથી ચાલી રહેલી લોન પરનું વ્યાજ પણ વધશે.

પર્સનલ લોન પર કેવી અસર થશે ?

એજ્યુકેશન લોનની જેમ પર્સનલ લોન પણ ફ્લોટિંગ રેટ રિટેલ લોન તરીકે મંજૂર કરવામાં આવે છે. જાહેર ક્ષેત્રની બેંકો (PSB) સામાન્ય રીતે ફ્લોટિંગ વ્યાજ દરો પર પર્સનલ લોન આપે છે, જ્યારે મોટાભાગની પર્સનલ બેંકો નિશ્ચિત વ્યાજ દરે પર્સનલ લોન આપે છે. તેથી, જો તમારી પર્સનલ લોન ફ્લોટિંગ રેટ પર આધારિત છે, તો તે અન્ય EMI સાથે પણ વધશે. સીધી રીતે કહેવામાં આવે તો હવે તમારે લોન માટે પહેલા કરતા વધુ વ્યાજ ચૂકવવું પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.