અમેરિકા કે અન્ય દેશને જોઈને નહીં પરંતુ આપણી જરૂરિયાતના હિસાબે હથિયાર નક્કી કરવામાં આવે તે જરૂરી
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતે સેનાઓને આયાત ઘટાડવાની સલાહ આપી છે. તેમણે વિદેશી હથિયારો અને અન્ય સુરક્ષા ઉપકરણો ખરીદવાને બદલે ‘મેક ઈન ઈન્ડિયા’ પર ધ્યાન આપવા જણાવ્યું હતું.
વધુમાં સેનાઓ અમેરિકા કે અન્ય દેશોને જોઈને નહીં પરંતુ પોતાની જરૂરિયાતના હિસાબથી વસ્તુઓ નક્કી કરે તે જરૂરી છે તેમ પણ કહ્યું હતું. આ રીતે જનરલ રાવતે હથિયારોની ખરીદીમાં ખર્ચાતા રૂપિયાને યોગ્ય રીતે મેનેજ કરીને ભારત પોતાની ડિફેન્સ ઈન્ડસ્ટ્રી તૈયાર કરી શકે છે તેવો ઈશારો કર્યો હતો.
જનરલ રાવતના કહેવા પ્રમાણે આપણે ફક્ત આપણી સરહદોનું રક્ષણ કરીને ત્યાં જ લડવાનું છે, બીજા દેશોની સેનાની જેમ સમગ્ર વિશ્વમાં તૈનાત થવાનું નથી. સાથે જ આપણે ભારતીય સમુદ્રી ક્ષેત્રો પર પણ દબદબો જાળવી રાખવાનો છે માટે આપણી જરૂરિયાતની ખોટી છબિનું સર્જન કરવાને બદલે આયાત ઘટાડવી જોઈએ.
હથિયારોની ખરીદી અને જાળવણી ખૂબ મોંઘી
ત્રણેય સેનાના પ્રમુખ જનરલ બિપિન રાવતે જણાવ્યું કે, કોરોના વાયરસ મહામારીના કારણે બધા જ લોકો પ્રભાવિત થયા છે. આપણે યથાર્થવાદી બનીને એડજસ્ટ કરવું પડશે. આપણી જરૂરિયાતને સમજીને ઓપરેશનની પ્રાથમિકતાઓ નક્કી કરવી પડશે. હથિયારોની આયાત, તેનો સામાન, જાળવણી વગેરે ખૂબ મોંઘુ થઈ ગયું છે. આમ તેમણે સેનાને વિદેશી હથિયારો પરની નિર્ભરતા ઘટાડવાનો સંકેત કર્યો હતો.
કોરોનાના કારણે દેશની આર્થિક સ્થિતિ નબળી પડી હોવાથી ડિફેન્સ બજેટમાં કાપ મુકાય તેવી શક્યતા છે ત્યારે જનરલ રાવતનું આ નિવેદન ખૂબ મહત્વનું બની જાય છે. ભારત વિશ્વનો બીજા ક્રમે આવતો સૌથી મોટો હથિયાર આયાતકાર દેશ છે જ્યારે હથિયાર માર્કેટમાં 9.2 ટકાની ખરીદી સાથે સાઉદી પ્રથમ ક્રમે છે.
‘મેક ઈન ઈન્ડિયા’ છતાં લાખ કરોડની ડીલ થઈ
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે અમુક મોટી ડિફેન્સ ડીલ કરેલી છે. એક તરફ ભારત ‘મેક ઈન ઈન્ડિયા’ની વાત કરી રહ્યું છે અને સાથે જ 59,000 કરોડની 36 ફ્રેંચ રાફેલ ફાઈટ જેટની અને 40,000 કરોડ રૂપિયાની પાંચ રૂસી મિસાઈલની ડીલ કરવામાં આવી છે. S-400 નામની આ રૂસી મિસાઈલ સ્ક્વોડ્રન જમીન પરથી આકાશમાં વાર કરવા સક્ષમ છે.
જનરલ રાવતના કહેવા પ્રમાણે ભારત પાસે મજબૂત અને ઘરેલુ ડિફેન્સ ઈન્ડસ્ટ્રિયલ બેઝ બનવા સિવાય છુટકો નથી. શરૂઆતમાં ઓછા ટેક્નિકલ સ્પેસિફિકેશન્સ સાથે દેશી હથિયાર બનાવી શકાશે. બાદમાં જે હથિારો ભારતીય કંપનીઓ ન બનાવી શકે તેના માટે મેક ઈન ઈન્ડિયા માટે વિદેશી કંપનીઓનો સંપર્ક કરવો જોઈએ.
સાથે જ તેમણે નેવીને ત્રીજા એરક્રાફ્ટ કેરિયરની જરૂર છે તેવો સવાલ કરીને સપાટી પર રહેલી કોઈ પણ વસ્તુને સેટેલાઈટ વડે પકડી શકાય છે અને મિસાઈલ વડે તરત ધ્વસ્ત કરી શકાય છે માટે નેવીને એરક્રાફ્ટ કેરિયર કરતા સબમરીન્સની વધુ જરૂર છે તેમ જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.