‘હું જીવું છું’, મોતની અફવાથી પરેશાન શ્રેયસ તલપડેએ આખરે પોસ્ટ લખીને ખુલાસો કર્યો, જુઓ શું કહ્યું..

બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડે વિશે એક ચોંકાવનારા સમાચાર સાંભળવા મળી રહ્યા છે. ઈન્ટરનેટ પર વાયરલ થયેલા સમાચારમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમનું નિધન થઈ ગયું છે. અભિનેતાએ આ ખોટી અફવાઓ પર આકરી પ્રતિક્રિયા આપી છે. શ્રેયસે ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરીને માહિતી આપી કે તે જીવિત છે. તેમના મૃત્યુના સમાચારો ખોટા છે.

અભિનેતા શ્રેયસ તલપડેને(Shreyas Talpade)લઈને ગત સોમવારે સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાઈ હતી કે અભિનેતાનું નિધન થઈ ગયું છે. આ અફવાઓએ બધાને ચોંકાવી દીધા. અભિનેતાના કેટલાક ચાહકોએ આ અફવાઓને સાચી માની અને એકદમ ભાવુક થઈ ગયા. આ અફવાઓ જોઈને શ્રેયસ પોતે પણ ચોંકી ગયો અને પરેશાન થઈ ગયો. ગત સોમવારે બપોરે એવી અફવા ફેલાઈ હતી કે શ્રેયસ તલપડે હવે આ દુનિયામાં નથી જેના પર અભિનેતાએ પોતે પ્રતિક્રિયા આપી છે અને લોકોને આવી દુઃખદાયક અફવાઓ ન ફેલાવવા અપીલ કરી છે.

શ્રેયસ એકદમ ઠીક છે

તેણે પોસ્ટમાં લખ્યું કે, હું તમને બધાને કહેવા માંગુ છું કે હું જીવિત, ખુશ અને સ્વસ્થ છું. મારા નિધનનો દાવો કરતી એક વાયરલ પોસ્ટ મને મળી છે. જ્યારે મને લાગે છે કે મજાકનું એક અલગ સ્થાન હોય છે. જ્યારે તેનો દુરુપયોગ થાય છે ત્યારે તે વાસ્તવિક નુકસાન પહોંચાડી શકે છે. તેની શરૂઆત મજાક તરીકે થઈ હતી જે હવે બિનજરૂરી ચિંતા પેદા કરી રહી છે. તેમજ જે લોકો મારી ચિંતા કરે છે તેમની ભાવના સાથે પણ યોગ્ય નથી. “

આ પછી શ્રેયસ તલપડેએ પણ પોતાની પુત્રી પર આ અફવાઓની અસર વિશે જણાવ્યું. પોતાની પોસ્ટમાં તેમણે આગળ લખ્યું- ‘મારી નાની દીકરી, જે દરરોજ સ્કૂલે જાય છે, તે પહેલાથી જ મારા સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે અને સતત પ્રશ્નો પૂછે છે અને હું સારો છું તેવું આશ્વાસન ઈચ્છે છે. આ અફવા તેના ડરને વધારે છે. અને આવી અફવાના કારણે મારી દીકરીને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે તમે આવા ખોટા સમાચાર ફેલાવો છો, ત્યારે તમે જે વ્યક્તિને ટાર્ગેટ કરવા માંગો છો તેના પર તેની અસર થતી નથી, પરંતુ તેના પરિવારના સભ્યો અને ખાસ કરીને નાના બાળકોને અસર થાય છે. અજ્ઞાન બાળકો આ પરિસ્થિતિને સમજી શકતા નથી, તેઓ ખૂબ જ લાગણીશીલ બની જાય છે.

તમને જણાવી દઈએ કે, શ્રેયસને ગયા વર્ષે હાર્ટ એટેક આવ્યો હતો. તે દરમિયાન તે ‘વેલકમ ટુ ધ જંગલ’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. અચાનક તેને થાક અને બેચેની લાગવા લાગી. હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ખબર પડી કે તેમને હાર્ટ એટેક આવ્યો છે. ડોક્ટરોએ તેની એન્જિયોપ્લાસ્ટી કરી. શ્રેયસે કહ્યું હતું કે હાર્ટ એટેક આવ્યા બાદ તેનો નવો જન્મ થયો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.