હવામાન વિભાગની આગાહી સાચી ઠરી, રાજ્યમાં ફરી વળ્યું કાતિલ ઠંડીનું મોજું, સૌથી વધુ નલિયા ઠંડુગાર

રાજ્યમાં સતત ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.રવિવારના રોજ નલિયાનો પારો ગગડીને ૯.૪ ડિગ્રી નોધાયો હતો. અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાન ૧૩.૭ ડિગ્રી નોધાતા શહેરીજનો ઠુંઠવાયા હતા.

અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન સતત ઠંડા પવનો ફૂંકાયા હતા. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો વધ્યો છે. દિવસે ઠંડો પવન ફૂંકાતા લોકોએ સ્વેટર પહેરીને ઘરની બહાર નીકળવું પડયું હતું. શિયાળાની ઠંડી વધતા ગરમ વસ્ત્રોના સ્ટોલ પર મોડી રાત સુધી લોકોની ભીડ જોવા મળી રહી છે.

રાત્રે અને વહેલી સવારે ઠેરઠેર ગરમ તાપણા કરીને લોકો ઠંડીથી બચી રહ્યાં છે. જમ્મુ કશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના વિસ્તારોમાં હિમવર્ષા થતા ધીરેધીરે ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે.

શિયાળાની ગુલાબી ઠંડીએ બીજા દિવસે પણ પોતાની પક્કડ જાળવી રાખતા પર્વતીય પર્યટક સ્થળ માઉન્ટ આબુનું લઘુતમ તાપમાન ૩ ડિગ્રી નોંધાયું હતું. શીત લહેરના સૂસવાટાથી લોકો ઠંડીમાં ઠૂંઠવાઈ ગયા હતા. ઉત્તર ભારતમાં હીમ વર્ષાની અસર દેશભરમાં વર્તાઈ રહી હોય તેમ રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં બીજા દિવસે પણ ઠંડી યથાવત્ રહેવા પામી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.