હવામાન વિભાગની વરસાદની આગાહીને લઈ ગુજરાતના ખેડૂતો પર સંકટનાં વાદળો ઘેરાયા

આ વર્ષે ગુજરાતના ખેડૂતો એક પછી એક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ખેડૂતો એક મુશ્કેલીમાંથી બહાર આવે છે, ત્યાં બીજી મુશ્કેલીમાં ફસાય જાય છે. ચોમાસા અને ત્યારપછી પડેલા કમોસમી વરસાદના કારણે ગુજરાતના મોટાભાગના ખેડૂતોનો પાક નિષ્ફળ થયો હતો. ખેડૂતોએ પાક વીમા કંપનીઓ પાસેથી વળતરની માંગણી કરી હતી, પરંતુ હજુ સુધી પાક વીમા કંપનીઓના વળતરથી ખેડૂતો વંચિત છે.

પહેલાની નુકસાનીનું વળતર ખેડૂતોને નથી મળ્યું, ત્યાં ફરીથી હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી 27 અને 28 જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ દ્વારા 27 જાન્યુઆરીના રોજ રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને 28 જાન્યુઆરીના રોજ વડોદરા, જામનગર, દિવ સહિતનાં વિસ્તારોમાં વરસાદી ઝાપટાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની આગાહીને લઇને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.