હવે દેશમાં નહીં અનુભવાય સેનિટાઈઝરની તંગી, વેચાણ માટેના નિયમોમાં થયા ફેરફાર

વિક્રેતાઓ આ ઉત્પાદનોનું વેચાણ અને સંગ્રહ તેમના ઉપયોગની તારીખ સમાપ્ત થયા બાદ ન થાય તે સુનિશ્ચિત કરવું પડશે

 

દેશમાં કોરોના વાયરસ મહામારીથી બચવા માટે જેટલા પણ ઉપાયો ઉપલબ્ધ છે તેમાં હેન્ડ સેનિટાઈઝરનો પણ સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારે હવે સેનિટાઈઝર વેચવા માટે અનિવાર્ય લાઈસન્સના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. દેશનો કોઈ પણ નાગરિક કોઈ પણ જાતની મુશ્કેલી વગર સેનિટાઈઝર વેચી શકશે અને આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક સૂચના પણ જાહેર કરી છે.

કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સેનિટાઈઝરના વેચાણ અને સંગ્રહ માટે લાઈસન્સની અનિવાર્યતા સમાપ્ત કરી દીધી છે જેથી તે લોકો વચ્ચે વ્યાપક સ્વરૂપમાં ઉપલબ્ધ થઈ શકે. એક સત્તાવાર સૂચના પ્રમાણે મંત્રાલયે ઔષધિ અને સૌંદર્ય પ્રસાધન નિયમોની જોગવાઈ અંતર્ગત આ છૂટ આપી છે.

જો કે સાથે જ વિક્રેતાઓ આ ઉત્પાદનોનું વેચાણ અને સંગ્રહ તેમના ઉપયોગની તારીખ સમાપ્ત થયા બાદ (એક્સપાયરી ડેટ) ન થાય તે સુનિશ્ચિત કરે તેવી સ્પષ્ટતા પણ કરી છે. આ અંગેની સૂચના સોમવારે જાહેર કરવામાં આવી હતી.

મંત્રાલયને સેનિટાઈઝરના વેચાણ માટે લાઈસન્સ મેળવવામાં છૂટ આપવા માંગ કરતી અનેક વિનંતીઓ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસ મહામારીના વ્યાપ અને લોકડાઉન વચ્ચે સેનિટાઈઝરના વેચાણ અને સંગ્રહ માટે સરકારે લાઈસન્સ ફરજિયાત કરી દીધું હતું. દેશમાં કાળાબજારી વધી જશે તેવા ડરના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે જ અચાનક સેનિટાઈઝરની માંગ વધતા તેની કિંમતો વધી ગઈ હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.