હવે મોદી સરકાર હેલિકોપ્ટર કંપની પવન હંસને વેચવાની ફિરાકમાં, બે વાર પ્રયાસ નિષ્ફળ રહ્યો છે

કેન્દ્ર સરકાર જાહેર ક્ષેત્રની હેલિકોપ્ટર કંપની પવન હંસમાં પોતાનો હિસ્સો વેચવાનો બીજો પ્રયાસ કરશે. આ માટે સરકારે ફરી એક વાર બિડ મંગાવી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ તેના વેચાણના પ્રયાસ બે વાર નિષ્ફળ રહ્યા છે. સરકાર પવન હંસમાં 51 ટકા હિસ્સો ધરાવે છે અને ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી) નો તેમાં 49 ટકા હિસ્સો છે.

ભૂતકાળમાં, ઓએનજીસીએ સરકારનો હિસ્સો વેચવાની સાથે કંપનીમાં તેનો સંપૂર્ણ હિસ્સો વેચવાની ઓફર કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ પાછળથી તે પાછો ખેંચી લીધો હતો.

કર્મચારીઓનું શું થશે 

સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનના અનુસાર, સફળ બોલીદાતાઓ સુનિશ્ચિત કરશે કે કંપની સૂચિત સોદાની તારીખથી એક વર્ષ માટે કોઈ પણ કાયમી કર્મચારીને નોકરીમાંથી કાઢશે નહીં.

જો આ સમયગાળા દરમિયાન કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવામાં આવે છે, તો તેની ખાતરી કરવી જોઈએ કે કંપની તેના કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિની ઓફર કરે.

31 જુલાઈ, 2020 સુધીમાં, કંપનીમાં કર્મચારીઓની સંખ્યા 668 હતી. તેમાં 363 કાયમી કર્મચારીઓ અને 323 કરાર આધારીત કર્મચારી હતા. નાણાકીય વર્ષ 2019-20માં કંપનીને રૂ. 28 કરોડ અને 2018-19માં રૂ. 69 કરોડને ચોખ્ખી ખોટ ગઈ હતી .

બે વાર વેચવાનો પ્રયાસ કર્યો

સરકારે પવન હંસમાં તેનો હિસ્સો વેચવાની બે વાર ઓફર કરી. 2018 માં સરકારે પવન હંસમાં 51 ટકા હિસ્સો વેચવા માટે બિડ્સને આમંત્રણ આપ્યું હતું. આ પછી 2019 માં પવન હંસના ડિસઇન્વેસ્ટમેન્ટનો બીજો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ રોકાણકારોએ તેમાં રસ દાખવ્યો નહીં.

1985માં કંપનીની સ્થાપના થઇ 

પવન હંસની રચના ઓક્ટોબર 1985 માં જાહેર ક્ષેત્રના ઉપક્રમ તરીકે થઈ હતી. તેનું મુખ્ય કાર્ય ઓએનજીસીને ખોદકામનાં કામો માટે હેલિકોપ્ટર સેવા આપવાનું છે. 31 માર્ચ 2020 સુધીમાં કંપનીની અધિકૃત મૂડી 560 કરોડ રૂપિયા હતી અને ચૂકવણી કરેલ શેર મૂડી 557 કરોડ રૂપિયા હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.