ધુણો ધખાવીને બેઠેલાં મહંતે તેમના માનીતા સેવકને કહ્યું કે, મેં વિધિવિધાન કર્યા છે. હું અમર થઈ ગયો છું, તું ખરાઈ કરી જો, મને જો કંઈ થશે નહીં. મહંતની આજ્ઞાને લઈ સેવકે તેમના દાંતરડા વડે હુમલો કરતાં મહંત સ્થળ પર જ લોહીથી લથબથ હાલતે ઢળી પડયા હતા.અને જો કે,મહંતનું મોત થયાની જાણ થતાં જ સેવકે તેમના મૃતદેહને શેતરંજી, મહંત પહેરેલી કોટી અને હથિયાર સાથે કૂવામાં ફેંકી દીધા હતા.
ઢસા નજીકના ચોસલા ગામે પાંચ દિવસ પૂર્વે થયેલી મહંતની હત્યામાં ઝડપાયેલાં ગામના જ ઈસમે પોલીસ સમક્ષ અંધશ્રધ્ધાની પરાકાષ્ઠા સમાન હત્યાના બનાવ અંગેના રહસ્ય પરથી પડદો ઉંચકતા ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.અને પોલીસે ગુન્હાનો ભેદ ઉકેલી તેના આધારે ઝડપેલાં મૃતક મહંતના જ માનિતા સેવકને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
વાત હોય શ્રધ્ધાની તો પૂરાવાના શું જરૂર છે?, અંધશ્રધ્ધામાં પણ કયાં જરૂર છે? તેવી કહેવતને ચરિતાર્થ કરતા બનાવની હકિકત એવી છે કે, બોટાદ જિલ્લાના ગઢડા(સ્વામિના) તાલુકાના અને ઢસા તાબેના ચોસલા ગામે આવેલાં હનુમાનજી મંદિર આશ્રામના મહંત રામદાસજી ગુરૂ મોહનદાસજી ચારેક દિવસથી લાપતા હતા.અને જેમની ભારે શોધખોળના અંતે ગત ગુરૂવારના રોજ આશ્રમના કૂવામાંથી જ તેમની કોહવાઈ ગયેલી હાલતે લાશ મળી હતી.
પોલીસ તપાસમાં તેમની હત્યા થઈ હોવાનું અને ગામમાં જ રહેતા નીતિન કુરજી વણોદીયાએ તિક્ષ્ણ હથિયારો વડે તેમની હત્યા નિપજાવી આશ્રામના કૂવામાં તેમની લાશ ફેંકી દિધાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. જેના આધારે પોલીસે મૃતક મહંતના ભાઈની ફરિયાદના આધારે ઉક્ત શખસ વિરૂદ્વ ઢસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી હતી.જો કે,હત્યાનું અકંબધ કારણ વચ્ચે પોલીસે ઈસમને ગત રવિવારના રોજ ઝડપી લીધો હતો અને આજે રિમાન્ડની માંગ અર્થે કોર્ટમાં રજૂ કર્યો હતો. અને જયાં પોલીસે આરોપીને ત્રણ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જેની સામે કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પોલીસ પૂછપરછમાં ઝડપાયેલાં આરોપી નીતિન વણોદીયાએ પોલીસને મહંતની થયેલી હત્યાના સિલસીલાબદ્ધ ઘટનાક્રમ અંગે ઉક્ત વિગત વર્ણવી હતી. આરોપીની આ વિગત સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને જયારે, આ વિગતો પ્રકાશમાં આવતાં ગામમાં પણ ભારે ચકચાર મચી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.