રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતો હોવાના કારણે રાજ્ય સરકાર દ્વારા લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું કહેવામાં આવે છે અને છેલ્લા કેટલાક દિવસોથી પ્રતિદિન 10 હજાર કરતા વધુ કેસ નોંધાતા હોવાના કારણે રાજ્ય સરકાર દ્વારા લગ્ન, સામાજિક કાર્યક્રમ અને રાજકીય મેળાવળાઓમાં લોકોની સંખ્યા 400માંથી ઘટાડીને 150 કરવામાં આવી છે. તેથી હવે લગ્નમાં પણ 150 લોકોને જ આમંત્રણ આપી શકાશે.
તો બીજી તરફ લગ્નના આયોજન પહેલા તેની નોંધણી રાજ્ય સરકારની ડિજીટલ ગુજરાત પોર્ટલ પર કરાવવાની રહેશે અને આ ઉપરાંત લગ્ન પ્રસંગમાં સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન થાય તે આયોજકોએ સુનિશ્ચિત કરવાનું કરશે. પણ મોરબીના એક ગામમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં નિયમોનો ભંગ થતા અને લગ્ન માટે પરિવારે મંજૂરી ન લીધી હોવાના કારણે પરિવારના સભ્યો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મોરબીના SP દ્વારા સ્થાનિક પોલીસને સમગ્ર મામલે કાર્યવાહી કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.
રિપોર્ટ અનુસાર મોરબીના વાંકાનેરના ખીજળીયાના રાજ ગામમાં હુસેન અલીના ઘરે લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યો હતો. હુસેન અલી દ્વારા જે લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તેમને પોલીસને મંજૂરી લીધી નહોતી અથવા તો રાજ્ય સરકારની ડિજીટલ ગુજરાત પોર્ટલ પર કોઈ પણ પ્રકારની નોંધણી કરાવી ન હતી. તો બીજી તરફ લગ્નમાં કોરોનાની ગાઈડલાઈનનો પણ ભંગ થયો હોવાનું સામે આવ્યું હતું અને હુસેન અલીની દીકરીના લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતી. લગ્નમાં આવેલા મહેમાનોએ ન તો માસ્ક પહેર્યું હતું, ન તો સામાજિક અંતરનું પાલન કર્યું. આ સમગ્ર ઘટના મોરબીના SPના ધ્યાન પર આવતા તેમને સ્થાનિક પોલીસને આ બાબતે કાર્યવાહી કરવાની સુચના આપી હતી. સ્થાનિક પોલીસ દ્વારા હુસેન અલીની સામે IPCની કલમ 188, 279 અને ડીઝાસ્ટર મેનેજમેન્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ કિસ્સા પરથી કહી શકાય કે જે લોકોના ઘરે આવનારા દિવસોમાં લગ્નનું આયોજન હોય તો તેમને પણ સ્થાનિક પોલીસ અથવા તો ડિજીટલ ગુજરાત પોર્ટલ પર જઈને લગ્ન માટેની મંજૂરી મેળવી લેવી, નહીં તો લગ્ન બાદ કે લગ્ન સમયે પરિવારના સભ્યોની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે અને મોરબીના કિસ્સાની જેમ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.