હોમ આઈસોલેશનમાં હોય તો શું રૂમને તાળું મારી રાખવાનું જાણો કોણે કર્યો એવો પ્રશ્ન????

રાજકોટ જિલ્લાના ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ શનિવારે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી અને જેમાં ટોળું એકઠું થઈ ગયું હતું. તો બીજી તરફ પૂર્વમંત્રી અને જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા ઘરે આઈસોલેટ હોવા છતાં અમરાપુરમાં આવેલા શૈક્ષણિક સંકુલમાં જઈને પતંગ ચગાવવાની મોજ માણી હતી. જેને લઈને હવે મામલો ગરમાયો છે. કોંગ્રેસ નેતા લલિત વસોયાએ કહ્યું કે, જેઓ ત્યાં આવ્યા હતા તે તમામે માસ્ક પહેર્યું હતું. ગાઈડલાઈન્સનો કોઈ રીતે ભંગ થયો નથી.

માત્ર 45 કાર્યકર્તાઓ-સમર્થકો જ હાજર રહ્યા હતા અને તેમણે મારા જન્મદિવસની કેક કાપી હતી. રૂટિન કાર્યક્રમ અનુસાર યુવા કાર્યકર્તાઓ સર્કિટ હાઉસ ખાતે કેક લઈને આવ્યા હતા. અમે માત્ર કેક કટિંગ કર્યું છે. રાજકીય વ્યક્તિ તરીકે માનું છું કે, આવો કાર્યક્રમ ન કરવો જોઈએ. લલિત વસોયાએ પોતાના જન્મદિવસનું સેલિબ્રેશન કર્યું હતું. જેમાં કાર્યકર્તાઓ અને મિત્રો પણ જોડાયા હતા. જેમાં ગાઈડલાઈન્સનો ભંગ થતો જોવા મળ્યો છે. એક બાજુ ધોરાજીમાં છેલ્લા પંદર દિવસમાં 250 જેટલા કેસ સામે આવ્યા છે એવામાં આવી ઉજવણી સ્પ્રેડર સમાન પુરવાર થાય એવી પૂરી શકયતાઓ છે. કેસની ચિંતા કરવાના બદલે કેક કટિંગ કરી રહ્યા છે.

લોકોની ચિંતા કરવાના બદલે ખુદ નેતાઓ જ નિયમ ભૂલીને જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. પ્રશ્ન એ ચર્ચામાં છે કે,નેતાઓને ક્યારે નિયમ લાગુ પડશે અથવા ક્યારે નિયમનું પાલન કરશે? તેઓ સુધરશે ખરા? જસદણ વીછિંયાના ધારાસભ્ય તથા પૂર્વમંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે, મારી તબિયત એકદમ સારી છે. હું ગઈકાલે જ ડિસ્ચાર્જ થઈ ગયો છું. એવો કોઈ નિયમ થોડી છે કે, હોમ આઈસોલેશનમાં હોય એટલે રૂમને તાળું મારી દેવાનું? આઈસોલેશનમાં હોય તો કોઈના સંપર્કમાં નહીં આવવાનું અને બાકી અંદરને અંદર થોડી રહેવાનું હોય. એવો કોઈ નિયમ નથી.

જે વખતે મેં પતંગ ચગાવી હતી ત્યારે મેદાનમાં કે કેમ્પસમાં કોઈ હતું નહીં. ગત રવિવારથી આ રવિવાર સુધી તથા કોરોના હતો જેમાંથી હું સાજો થઈ ગયો છું અને જ્યારે હું પતંગ ચગાવતો હતો ત્યારે ત્યાં કોઈ હતું જ નહીં. મને એટલી તો આ ઉંમરે ખબર પડે છે કે, કોરોનામાં પતંગ ન ચગાવવી જોઈએ. એ દિવસે બધા છોકરાઓ કેમ્પસની બહાર જ હતા. હવે મુદ્દોએ છે કે, બાવળિયાએ જે ટ્વીટ કર્યું એ ખોટું છે કે તેઓ જે કહી રહ્યા છે એ સાચું છે? તેમણે એવું ટ્વીટ કર્યું કે, ઘણા વર્ષો પછી આજે અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે પૌત્ર અર્જુન અને પૌત્રી દીવા સાથે પતંગ ચગાવી, ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. એક બાજુ તંત્ર હોમ આઈસોલેટ થયા હોય એના પર સતત નજર રાખે છે. તો આ નેતા પર એની નજર નહીં ગઈ હોય? શું નેતાઓનો કોઈ નિયમ લાગું નહીં પડતા હોય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.