તમે જો જૂના વાહનની ખરીદી કરો છો તો તમારે ચેતવાની જરૂર છે. જૂના વાહનની ખરીદી કરતા પહેલા તેના ડોક્યુમેન્ટની ખરાઈ RTOમાં જઈને કરાવી લેવી જોઈએ. જો આવું નહીં કરો તો તમારે પછી પસ્તાવાનો વારો આવશે. આવું એટલા માટે અમે કહી રહ્યા છીએ કે કેટલાક ઇસમો જૂના વાહનોની નકલી RC બૂક બનાવીને વાહનોનું વેચાણ કરે છે. જ્યારે આ વાહન નામ પર કરાવવા માટે જ્યારે ગ્રાહક જાય છે ત્યારે તેને મુશ્કેલીમાં મુકવાનો વારો આવે છે. ત્યારે આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે.
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં વિપુલ ઠક્કર નામનો યુવક તેના પરિવારની સાથે રહેતો હતો. વિપુલને વ્હીકલ લેવાનું હોવાથી તેને મુસ્તફા જુજાર નામના વ્યક્તિની પાસેથી એક એકટીવાની ખરીદી કરી હતી. એકટીવાની ખરીદી સમયે વિપુલ ઠક્કરે મુસ્તફા જુજારને 47000 રૂપિયા પણ આપ્યા હતા. પૈસા લીધા બાદ મુસ્તફા જુજાર નામના વ્યક્તિએ એકટીવાની RC બૂક વિપુલ ઠક્કરને આપી હતી. વાહનની ખરીદી કર્યા બાદ એકટીવાને પોતાના નામ પર કરાવવા માટે વિપુલ સુભાષનગર RTOમાં ગયો હતો.
RTOના અધિકારી દ્વારા જયારે આ બાબતે તપાસ કરવામાં આવી ત્યારે તેમને જાણવા મળ્યું કે વિપુલ ઠક્કર જે એકટીવા નામ પર કરાવવા માટે આવ્યા છે તેનો નંબર GJ 1 UD 4383 દર્શાવવામાં આવ્યો હતો. પણ આ એકટીવાની વિગતની ખરાઈ કરતા તેનો મૂળ નંબર GJ 27 CK 4623 હોવાનું સામે આવ્યું હતું. તો વિપુલ ઠક્કર જે RC બૂક લઇને ગયો તેમાં વાહન માલિકનું નામ કૃણાલ ઠક્કર લખવામાં આવ્યું હતું. પણ આ વાહન RTOના રેકોર્ડ અનુસાર ફેરુમલ નામના વ્યક્તિની માલિકીનું હોવાનું સામે આવ્યું હતું. તેથી RTO અધિકારીઓને આ બાબતે શંકા જતા તેમને વિપુલ ઠક્કરને પૂછપરછ માટે બોલાવ્યો હતો. ત્યારબાદ નકલી RC બૂક બનાવીને વાહનનું વેચાણ કરવાના કૌભાંડનો પર્દાફાશ થતા RTO અધિકારી દ્વારા રાણીપ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ બાબતે RTOના અધિકારી આર.એસ. દેસાઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, વિપુલ નટવર લાલ ઠક્કર છે તેમને બોલાવીને પૂછપરછ કરતા તેમને જણાવ્યું હતું કે, તેને જુજારભાઈ નામના એક એક વ્યક્તિ પાસેથી 47000 રૂપિયાની વાહન ખરીદ્યું હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ એકટીવાની RC બૂકમાં કૃણાલ ઠક્કરનું નામ લખેલું હતું. આ બાબતે અમને શંકા જતા અમે વિપુલની વધુ પૂછપરછ કરી અને ત્યારબાદ મુસ્તફા જુજાર સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં નકલી RC બૂક બનાવવા બાબતે ફરિયાદ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.