બનાસકાંઠાના વડગામમાં મજાદર પાટીયા પાસે AIMIMની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.અને આ સભામાં AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ગુજરાતની 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને લોકોને સંબોધન પણ કર્યુ હતું. આ સભાની અંદર મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને અસદુદ્દીન ઓવૈસીએ વડગામની બેઠક પર આગામી વિધાનસભાની ચૂંટણીમાં AIMIMના ઉમેદવારને જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી.
તો બીજી તરફ લોકોને સંબોધતા સમયે અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત તેમણે કેન્દ્ર સરકારને પણ આડે હાથે લીધી હતી. વડગામમાં યોજાયેલી જાહેર સભાની અંદર અસદુદ્દીન ઓવૈસી દ્વારા દેશમાં ચાલી રહેલા હિજાબ વિવાદને લઈને પણ નિવેદન આપવામાં આવ્યુ હતું.અને આ સભામાં અસદુદ્દીન ઓવૈસી દ્વારા લોકોને કહેવામાં આવ્યું હતું કે, દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે પરંતુ કયું અમૃત વેચી રહ્યા છે.
હિજાબને જેહાદથી જોડવામાં આવી રહ્યો છે. તેમને હવે હિજાબથી ખતરો લાગી રહ્યો છે, પણ દેશને તો ગાંધીના હત્યારાથી ખતરો છે. ઓવૈસીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશને ગોડસેના ભક્તોથી ખતરો છે. જો આજે તમે હિજાબ ઉપર ચૂપ થઈ જશો તો કાલે દાઢી કાપવાનું કહેશે અને ટોપી ઉતારવાનું કહેશે. હિજાબને એ માટે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે જેનાથી મુસ્લિમોનું કલ્ચર છીનવી લેવાય. અસદુદ્દીન ઓવૈસી દ્વારા કહેવામાં આવ્યુ હતું કે, આપણે હુકુમતને બદલી શકતા નથી છતાં પણ દલિત અને મુસલમાનોને આપણી પાર્ટી દ્વારા વિધાનસભામાં મોકલી શકીએ છીએ અને આપણે આપણા અવાજને વિધાનસભામાં મૂકી શકીએ છીએ.
મહત્ત્વની વાત છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારે હવે AIMIM દ્વારા પણ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે.અને ચૂંટણીની તૈયારીના ભાગરૂપે જ AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ વડગામમાં સભાને સંબોધન કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.