IMA નો સરકારને ધારદાર સવાલ, ડૉક્ટરને કોરોના વૉરિયર કહો છો તો શહીદ કેમ માનતા નથી ?

કોરોના સામે લડતા ડૉક્ટરોને તમે કોરોના વૉરિયર એટલે કે કોરોના સામે લડતા યોદ્ધા ગણાવો છો પરંતુ એ દરમિયાન કોઇ ડૉક્ટર મરણ પામે તો એને શહીદ ગણવા કેમ તૈયાર થતા નથી એવો ધારદાર સવાલ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનને કેન્દ્ર સરકારને કર્યો હતો.

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન ડૉક્ટરોની બનેલી દેશની સૌથી મોટી સંસ્થા છે. એમાં લાખો ડૉક્ટર સભ્ય છે. આ સંસ્થાએ નરેન્દ્ર મોદી સરકારને દંભી ગણાવતો આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે એક તરફ ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફને સરકાર કોરોના વૉરિયર્સ કહે છે પરંતુ ફરજ બજાવતાં આમાંના કોઇનું મરણ થાય તો સરકાર એને શહીદ ગણાવવા તૈયાર થતી નથી. આવાં બેવડાં ધોરણ કેવી રીતે ચાલે.

ગુરૂવારે સંસદમાં કોરોના વૉરિયર્સ તરીકે ઓળખાવાતા કેટલા ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફ ખપી ગયા એના આંકડા માગવામાં આવતાં સરકારે કહ્યું કે અમારી પાસે આંકડા નથી. આઇએમએએ કહ્યું કે અત્યાર સુધીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતાં મિનિમમ 382 ડૉક્ટરના મરણ થયાં હતાં. પરંતુ સંસદમાં સરકારે એમ કહી દીધું કે આ તો રાજ્યોનો વિષય છે. સિનિયર ડૉક્ટર્સ પણ સરકારના આ જવાબથી વિસ્મિત થયા હતા. કેટલાક સિનિયર ડૉક્ટરે કહ્યું કે આ તો લડાઇમાં શહીદ થયેલા સૈનિકોનો આંકડો અમારી પાસે નથી એવો જવાબ થયો.

આઇએમએના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર રાજન શર્માએ કહ્યું કે ઘડિયાળ સામે જોયા વિના કે ભોજન નાસ્તાની પરવા કર્યા વિના રાત દિવસ જે ડૉક્ટર્સ, નર્સિસ અને હેલ્થ કેર સ્ટાફ કોરોનાગ્રસ્તોની સેવા કરી રહ્યા છે એમના વિશે આવું સરકારી વલણ જોતાં અમને ખરેખર દુઃખ થાય છે એટલે આટલું કહેવું પડે છે. અમે પણ માણસ છીએ. અમને રાજ્યોમાં વહેંચી દઇને અમારી રાષ્ટ્રીય એકતાને સરકાર જોખમાવી રહી હતી. આ વલણ સ્વીકાર્ય નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.