તૌકતે વાવાઝોડાની અસર : રાજકોટ એરપોર્ટ ૧૯ મે એ બપોરે સુધી બંધ કરવામાં આવ્યું.

તૌકતે વાવાઝોડને કારણે રાજકોટ એરપોર્ટ આજે 4 વાગ્યાથી 19 મેએ બપોરે 11.15 વાગ્યા સુધી બંધ રહેશે, ભારે પવન અને ભારે વરસાદની આગાહીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એરપોર્ટના ડાયરેક્ટર દિગંતા બોરહ દ્વારા સત્તાવાર રીતે બંધની જાહેરાત કરવામાં આવી છે. વાવાઝોડાની અસરને કારણે રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં મંડપ તૂટ્યા છે અને એસટી બસપોર્ટ અને દરિયાકાંઠાના બસ રૂટ બંધ કરવામાં આવ્યા છે.

  • આટકોટમાં ધૂળની ડમરી સાથે મિની વાવાઝોડું ફૂંકાયું
  • મોટી ચણોલ ગામે વીજપોલ ધરાશાયી, વીજપુરવઠો ગઈકાલ રાતથી ખોરવાયો
  • સિવિલ હોસ્પિટલમાં મંડપ તૂટ્યા, એસટી બસ પોર્ટ અને દરિયાકાંઠાના બસ રૂટ બંધ
  • પડધરી તાલુકાનાં ગામોમાં વીજપોલ થયા ધરાશાયી

અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું વાવાઝોડું  ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાય એવી સંભાવના છે, આથી આ દરમિયાન રાજ્યમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરીને બે દિવસ સુધી લોકોને ઘર બહાર નહીં નીકળવાની પણ અપીલ કરાઈ છે. રાજકોટમાં ગત સાંજે 08:07 કલાકે ધૂળની ડમરીઓ ઊડી હતી અને એકદમથી પવન ફૂંકાવાનો શરૂ થયો હતો જે થોડીવારમાં શાંત થઈ ગયા બાદ વરસાદી ઝાપટું પડ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની ગતિ 80 કિ.મી. પ્રતિ કલાકની હતી અને પાંચ મિનિટ પૂરતો ફૂંકાયો હતો, પણ માત્ર 5 મિનિટના પવનને કારણે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને જે જગ્યાએ ભોજન પીરસવાનું હોય છે. એ મંડપ તૂટીને ધરાશાયી થયા છે. વાવાઝોડાની અસરને પગલે શહેરની એસટી બસ પોર્ટ અને દરિયાકાંઠાના બસ રૂટ બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મોટી ચણોલ અને પડધરી તાલુકાનાં ગામોમાં વાવઝોડાને પગલે વીજપોલ ધરાશાયી થયા છે. તેમાંય મોટી ચણોલ ગામે તો વીજપુરવઠો ગઈકાલ રાતથી ખોરવાય ગયો છે.

વાવાઝોડાને અનુલક્ષીને 48 કલાક સુધી તમામ પોલીસકર્મીઓ લોકો વચ્ચે કાર્યરત રહેશે

સંભવિત વાવાઝોડાની આગાહી સંદર્ભે કુદરતી આપત્તિની પરિસ્થિતિને પહોંચી વળવા આગોતરા પગલાં ભાગરૂપે આજે રાજકોટમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. એ અનુસાર સંભવિત વાવાઝોડાને પગલે આગામી 48 કલાક શહેર પોલીસના એકપણ અધિકારી અને કર્મીઓ ઘરે નહીં જાય અને લોકો વચ્ચે કાર્યરત રહેશે. આ ઉપરાંત લોકોને ખોટી અફવાઓથી દૂર રહેવા પોલીસ કમિશનરે અપીલ કરી છે. આ ઉપરાંત ઓક્સિજન લઈ જતાં વાહનો માટે ગ્રીન કોરિડોરની પોલીસ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ શહેરમાં ભક્તિનગર પોલીસ દ્વારા લલુડી વોંકળી વિસ્તારમાંથી 70 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, સાથોસાથ 6 જેટલાં શેલ્ટર હોમ કાર્યરત કરાયાં છે.

પૂર્વના પવનોથી રાજકોટમાં ગરમી વધી, પવન ઊંચાઈએ જતાં આંધી ઉદ્ભવી

અત્યારે અરબી સમુદ્રનું વાવાઝોડું નજીક આવી રહ્યું છે પણ એની અસર 2000 કિ.મી. દૂર સુધી અનુભવાય છે. વાવાઝોડું લાર્જ સ્કેલ એટલે મજબૂત હોવાથી પવનની દિશા બદલાઈ છે અને પશ્ચિમને બદલે પૂર્વથી પવનો શરૂ થયા છે. આ પવનો અમદાવાદથી રાજકોટ તરફ આવી રહ્યા છે, આ કારણે રાજકોટમાં પણ અમદાવાદ જેટલી ગરમી અને ત્યાં જેવો ગરમી અને બફારાનો માહોલ હોય છે તેવો રાજકોટમાં સર્જાયો હતો અને હજુ પણ પૂર્વના પવનો હોવાથી ગરમી અને બફારો રહેશે. વાવાઝોડું દરિયાકાંઠે આવશે એટલે રાજકોટમાં પણ તેની અસર આવશે અને પવન 50થી 60 કિ.મી. જેટલી ગતિએ ફૂંકાશે તેમજ 2 ઈંચ જેટલો વરસાદ પણ પડશે. વેરાવળના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાશે એટલે તરત જ પવનની દિશામાં 180 ડીગ્રી જેટલું પરિવર્તન આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.