ધોરણ ૧૦ અને ૧૨નાં રિપીટર વિધાર્થીઓ માટે આવ્યાં મહત્વનાં સમાચાર, આ તારીખે શરૂ થશે પરીક્ષા..

ગુજરાતના ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી યોજવાનો નિર્ણય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. પરીક્ષાાનો વિગતવાર કાર્યક્રમ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે. માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ. પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં ધોરણ 10 અને 12ના નિયમિત, રિપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની બોર્ડની જાહેર પરીક્ષા પહેલી જુલાઈના રોજ લેવાનો નિર્ણય સરકારે કર્યો હતો. પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પરીક્ષાઓ મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના રિપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા આગામી 15 જુલાઈના રોજ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. સ્કૂલોના આચાર્યોએ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરવાની રહેશે. એમ શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવ્યું છે.

4.91 લાખ રિપીટર્સ વિદ્યાર્થીઓની માંગ ;
બોર્ડની પરીક્ષામાં રિપીટર્સ વિદ્યાર્થીઓની વાત કરીએ તો ધોરણ 10માં 3.62 લાખ, ધોરણ 12 સાયન્સમાં 32 હજાર 400 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 97 હજાર જેટલા રિપીટર્સ વિદ્યાર્થી નોંધાયા હતા. સરકારે ધોરણ 10માં માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓની જ પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપ્યું હોવાની સ્પષ્ટતાં કરી હતી. પરંતુ ધોરણ 12ની પરીક્ષા રદ કરવાના નિર્ણયમાં એવી કોઈ સ્પષ્ટતાં કરાઈ નથી કે, માત્ર રેગ્યુલર વિદ્યાર્થીની જ પરીક્ષા રદ થશે કે રિપીટર્સ સહિતના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરાશે. શિક્ષણમંત્રીએ આ અંગે મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ કે, રિપીટર્સ વિદ્યાર્થીઓ માટે હજી કોઈ પણ નિર્ણય લેવાયો નથી. જે આગામી સમયમાં કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન આધારે લેવાશે.

અમદાવાદમાં વિદ્યાર્થીઓ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ;
તાજેતરમાં 25થી વધુ વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતાં અને બેનરો તથા સ્લોગનો સાથે ઓફલાઈન પરીક્ષાનો વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે લાખો રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. તો અમને પણ આપો. જો રેગ્યુલર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાઈ શકે તો અમારા હિતમાં કેમ નહીં. શું અમને કોરોના નહીં થાય? અમને માસ પ્રમોશન આપો અથવા તો ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરો.અમે પણ વિદ્યાર્થી જ છે.હાલની પરિસ્થિતિમાં ઑફલાઈન પરીક્ષા ના યોજવી જોઈએ. અમે પરીક્ષાનો વિરોધ નથી કરી રહ્યાં.આમરી ઓનલાઇન પરીક્ષા યોજાય તો અમે આપવા તૈયાર છીએ. સરકાર રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે નિર્ણય કરે છે તો રિપીટર્સ માટે પણ નિર્ણય લેવો જોઈએ.

ધો. 10ના આશરે 8.60 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતું ;
ગુજરાત માધ્યમિક અ્ને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલી શાળાઓમાં અભ્યાસ કરતા ધો. 10ના આશરે 8.60 લાખ વિદ્યાર્થીઓને કોરોનાની મહામારીને કારણે માસ પ્રમોશન આપવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીમાં નિર્ણય લેવાયો છે. અચરજ પમાડે તેવી બાબત એ છે કે, જે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે તે વિદ્યાર્થી સતત સર્વગ્રાહી મૂલ્યાંકન યોજના હેઠળ ધો.1થી10માં અભ્યાસ કર્યો હોવાથી તેની શાળા કક્ષાએ યુનિટ ટેસ્ટ પ્રકારની પરીક્ષા લેવામાં આવે છે,વાર્ષિક પરીક્ષા નહીં. રાજ્ય સરકારે એવી પણ સ્પષ્ટતા કરી છે કે, ધો. 10માં આશરે 3.50 લાખ વિદ્યાર્થી રિપીટર છે. તે વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ મળશે નહીં. જ્યારે પણ કોરોનાની સ્થિતિ હળવી થાય ત્યારે તેમના માટે ખાસ ધો. 10ની પરીક્ષા લેવાશે. આમ, રાજ્યમાં ધો.10માં કુલ 11.65 લાખ વિદ્યાર્થી છે.

પરીક્ષા આપવા જતા રિપીટર વિદ્યાર્થીઓને પણ કોરોના થઈ શકેઃ વાલી મંડળ ;
અગાઉ વાલી મંડળે જણાવ્યું હતું કે, મહામારીના સમયમાં ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો વિચાર આવકારદાયક છે. પણ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા ની તારીખ જાહેર કરતા ચર્ચાનો વિષય બન્યો છે. રિપીટર વિદ્યાર્થીઓ પણ સામાન્ય બાળક છે. રેગ્યુલર વિદ્યાર્થીઓ જેવા કુમળા છે. કોરોનાને લઈ ઉભી થયેલી શૈક્ષણિક તકલીફોનો ભોગ બન્યા છે. પછી એ ઓન લાઈન હોય કે ઓફ લાઈન પણ બધા જ વિદ્યાર્થીઓએ તેને ફેસ કર્યું છે. આવા સમયમાં મારી માગ પણ રહી છે કે, બધા જ બાળકોને માસ પ્રમોશન આપવામાં આવે. જોકે સરકારે માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓને જ માસ પ્રમોશન આપ્યા છે ત્યારે મારે કહેવું છે કે કોરોના પરીક્ષા આપવા જતા રિપીટર વિદ્યાર્થીઓને પણ થઈ શકે છે. હું અપીલ કરું છું સરકારને કે રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપી માનસિક તણાવ મુક્ત કરે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.