માનવ શરીરના નાજુક અને બહુમૂલ્ય અવયવમાં આંખનો સમાવેશ કરી શકાય આમ છતાં આ આંખને જ નજર અંદાજ કરીએ છીએ. ખાસ કરીને નાના બાળકોની આંખમાં એક વખત કોઈ ઈજા કે ક્ષતિ થયા બાદ તેની સારવાર મુશ્કેલ હોય છે આમ છતાં લોકો બેદરકારી દાખવે છે અને બાળકો માટે મોટી મુશ્કેલી સર્જાય છે. આ વ્યથા આંખના સર્જન ડોક્ટર રાજેન્દ્રસિંહ વાઘેલાની છે. પીએનઆર હોસ્પિટલમાં આંખના સર્જન તરીકે અત્યાર સુધીમાં 6 વર્ષ સુધીના બાળકોના 100થી વધુ આંખના ઓપરેશન કરનાર ડોક્ટર વાઘેલા કહે છે કે, યોગ્ય ડોક્ટરની સલાહ વગર બાળકની આંખમાં ગમે તે ટીપા નાખવા અને ગમે તેવું કાજલ લગાડવું ખતરનાક સાબિત થઈ શકે છે. આવા ટીપાં અને કાજલની આડ અસરથી આંખોમાં ખરાબી અને મોતિયો પણ આવી શકે છે. બાળકોને મોતિયો જન્મજાત આવવાની શક્યતા વધુ હોય છે પરંતુ ફોટો થેરાપી એટલે કે પેટીમાં રાખવાથી, આંખમાં કોઈ ઈજા થવાથી કે આ પ્રકારે કોઈ ટીપા કે આંજણની આડઅસરથી પણ મોતિયો થતો હોય છે. ભાવનગરમાં બાળકોના મોતિયાના નિષ્ણાંત નથી પરંતુ ઓપ્થે. સર્જન આ ઓપરેશન કરી શકે છે. પીએનઆર હોસ્પિટલમાં આવા ઓપરેશન વિનામૂલ્યે થતા હોય છે જે ઉલ્લેખનીય છે. બાળકને જો મોતિયાનું ઓપરેશન સમયસર ન કરવામાં આવે તો વધતી ઉંમરની સાથે મુશ્કેલીઓ વધે છે. સમયસર નિદાન સારવાર અને જરૂર જણાયે ઓપરેશન જરૂરી છે પરંતુ તેથી પણ વિશેષ અણસમજું બાળકની આંખની દરકાર કરવી તે સમજુ વાલી તરીકે આપણી ફરજ છે તેમ સંસ્થાના ટ્રસ્ટી બાબાભાઈ શાહ જણાવે છે અને કહે છે, બાળકો દ્વારા મોબાઈલનો બિનજરૂરી ઉપયોગ પણ અટકાવવો હાલના સમયમાં અતિ આવશ્યક છે. અન્યથા બાળકોની આંખોને મોબઇલ જોવાનો અતિરેક ભયંકર રીતે નુકશાન કરે છે. આ બાબત વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થઇ ગયેલી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.