અમદાવાદમાં હોટેલ માલિકને છરી બતાવી ધમકી આપનારનું પોલીસે સરઘસ કાઢયું 

અમદાવાદ શહેરમાં વધી રહેલી ગુનાખોરીને ડામવા માટે અને ગુનેગારોમાં અંકુશ રાખવા માટે અબ્રાહર અને રોમાન નામના બે લુખ્ખાઓને લોકો સામે ફેરવીને જાહેરમાં તેમનુ સરઘસ કાઢયું હતુ.

શહેરના જમાલપુર વિસ્તારમાં બે દિવસ પહેલા રાત્રે છીપાવાડમાં આવેલી એક હોટલમાં કેટલાક અસામાજિક તત્વો નશાની હાલતમાં છરી વડે ધસી આવ્યા હતા અને હોટલ માલિકને ધમકી આપી ડરનો માહોલ ઉભો કર્યો હતો. જે મામલે ગાયકવાડ હવેલી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે ધરપકડ બાદ જમાલપુર વિસ્તારમાં આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢયું હતું. PI સહિતનો સ્ટાફ આરોપીઓને લઈને રોડ પર ફર્યો હતો. નાગરિકોમાં મનથી આવા અસામાજિક તત્વોનો ખૌફ દૂર કરવા માટે પોલીસે તેઓનું જાહેરમાં સરઘસ કાઢયું હતું. અગાઉ આ જ બે ગુનેગારોએ વસંત-રજબ પોલીસ ચોકી પાસે લગ્નના જમણવારમાં છરીઓ લઇને ઘૂસી ગયા હતા. જેના કારણે નાસભાગ મચી હતી.

જમાલપુર વિસ્તારમાં જાણે કે કાયદો વ્યવસ્થાના ખૂલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા છે અને પોલીસ જાણે કે મૂકપ્રેક્ષક બની જોેઈ રહી હોય તેમ ધમકી આપવાની બનેલી ઘટના પરથી લાગી રહ્યું હતું. બે દિવસ પહેલા જમાલપુરના છીપાવાડમાં આવેલી ઇકબાલ હોટલમાં રાત્રે ચા પીવા આવેલા કેટલાક લુખ્ખાઓ હોટલમાં છરી લઈને હોટલના કાઉન્ટર પર આવ્યા અને હોટલના માલિકને છરી બતાવી ધમકી આપી અને હોટલમાં રહેલા સ્ટાફ પર છરી વડે હુમલો કરી તેમની દહેશત બતાવી હતી. આ ઉપરાંત રાત્રિના સમયે જમાલપુર બંધ કરાવ્યા હોવાના સમાચાર પણ વહેતા થયા હતા. જેના પગલે સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. જેના પગલે પોલીસને સખત કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.

આ હુમલા અને દહેશતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. હુમલામાં કોઈને જાનહાની થઈ નથી. આવા બનાવ પરથી ચોક્કસ સાબિત થાય છે કે જમાલપુરમાં ફ્રી લુખ્ખાઓ બેફમ થયા છે. આ બનાવ બાદ હોટલમાલિકે ગાયકવાડ હવેલી પોલીસ મથકે યુવકો સામે ફરિયાદ નોંધાવી હતી.જે ફ્રિયાદના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.