આજકાલ ભણ્યા વગરજ ડોકટર થઈ લાખ્ખોમાં કમાણી કરવાનો ધંધો ફાલ્યો ફુલ્યો છે અને અનેક બોગસ ડોક્ટરો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહયા છે અને ત્યારે અમદાવાદના લાંભા વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવતા એક સાથે 10 બોગસ ડોક્ટરો મળી આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા એક જ દિવસમાં 10 જેટલા બોગસ ડૉક્ટરો ઝડપી તેમની સામે કાર્યવાહી કરી છે. લાંભા વિસ્તારમાં રંગોલીનગર, હાઈફાઈ ચાર રસ્તા, લક્ષ્મીનગર જેવા વિસ્તારમાં ડીગ્રી વગર બોગસ ડોક્ટરો પ્રેક્ટિસ કરી અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની ફરિયાદો મળી હતી અને જેના આધારે ચેકિંગ કરવામાં આવતા 10 જેટલા ડોક્ટરો ઝડપાયા હતા. તમામની સામે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરી અને પોલીસને જાણ કરવામાં આવી છે.
શહેરના લાંભા વિસ્તારમાં AMCના આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમો લાંભા વિસ્તારમાં આવેલ જનકલ્યાણ હોસ્પિટલ, સૌમીન ક્લિનિક, શ્રી ગુરુકૃપા ક્લિનિક, શિવાય ક્લિનિક, રાજ ક્લિનિક, આયુષ્માન ક્લિનિક પર તપાસ હાથ ધરતા 10 જેટલા તબીબો બોગસ ડિગ્રીના આધારે ક્લિનિક ચલાવતા હોવાનું સામે આવ્યું હતું અને જે બાદ ટીમોએ આ ડોક્ટોરોના ક્લિનિકોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી મહત્વનું છે કે અમદાવાદ શહેરના છેવાડે આવેલા લાંભા વિસ્તારમાં મોટાભાગે પરપ્રાંતિય અને ગરીબ વર્ગના લોકો રહે છે અને જ્યાં કમાણી કરવા કેટલાક ઈસમોએ બોગસ ડોક્ટરો બની અને ક્લિનિક ખોલી ધંધો શરૂ કરી દીધો હતો.
આ વિસ્તારમાં આવા ગોરખધંધા ચાલતા હોવા અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગને માહિતી મળતા આરોગ્ય વિભાગે અલગ અલગ ટીમો બનાવી રંગોલીનગર, લક્ષ્મીનગર, નારોલ, હાઇફાઇ ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરતા 10 જેટલા ડોક્ટરો બોગસ પ્રેક્ટિસ કરતા મળી આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.