ગાંધીનગરમાં પોલીસ કર્મીની પત્ની અને કોર્ટના બેલિફ કેનાલમાં કુદી પડ્યા,પ્રેમી યુગલને શોધતી ટીમે અન્ય એક યુવકને ડૂબતા બચાવ્યો

ગાંધીનગરની રાયપુર નર્મદા કેનાલમાં ત્રણ દિવસ અગાઉ ડૂબેલા ચાર મિત્રોની લાશ હજી ગઈકાલે જ મળી આવી છે. ત્યારે આજે રવિવારે સવારે આ કેનાલમાં વાસણીયા મહાદેવ ગામના પ્રેમી યુગલે મોતનો કૂદકો લગાવ્યો હતો. હાલમાં બંનેના પરિવારજનોને પોલીસે બોલાવી ફાયર બ્રિગેડ દ્વારા કેનાલમાં શોધખોળ કરવામાં આવી રહી છે. આ દરમિયાન થોડેક દૂર કોઈ અજાણ્યા યુવાને પણ મોતનો કૂદકો માર્યો હતો. જેને ફાયરની ટીમના જવાનોએ કેનાલમાં ડૂબકીઓ મારીને ભારે જહેમત પછી અજાણ્યા યુવકને બહાર કાઢી લેવામાં આવ્યો છે અને હાલ યુવકને અમદાવાદની સીવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી જીવા દોરી સમાન નર્મદા કેનાલમાં છેલ્લા ઘણા દિવસોથી અપમૃત્યુનાં બનાવોએ માઝા મૂકી દીધી છે. હજી ચાર દિવસ અગાઉ રાયપુર કેનાલ પર બર્થડેની ઉજવણી માટે એકઠા થયેલાં અમદાવાદના કૃષ્ણ નગરના ચાર મિત્રોની લાશ ગઈકાલે મળી આવી હતી. ત્યારે આજે સવારે પણ એક પ્રેમી યુગલે કેનાલમાં ઝંપલાવ્યું હોવાનું સામે આવ્યું છે.

ગાંધીનગરના રાયપુર-મેદરા નર્મદા કેનાલ પાસે આજે સવારે એક એક્ટિવા, લેડીઝ – જેન્ટસ ચપ્પલ તેમજ મોબાઈલ બિન વારસી હાલતમાં મળી આવ્યાં હતાં. જેનાં પગલે કેનાલમાં પુરુષ – મહિલાએ કૂદકો માર્યો હોવાની પુષ્ટિ થઈ હતી અને બનાવનાં પગલે ડભોડા પોલીસના જમાદાર મનોજભાઈ સ્ટાફના માણસો સાથે કેનાલ પર દોડી ગયા હતા. અને ફાયર બ્રિગેડની મદદથી કેનાલમાં પડેલા યુગલની શોધખોળ શરૂ કરાવી છે

હાલમાં કેનાલ પર મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ જવા પામી છે. કેનાલમાં ઝંપલાવનાર મહિલાએ બચાવો બચાવોની બૂમો પણ પાડી હતી, પરંતુ કેનાલ પર હાજર કોઈને તરતાં આવડતું ન હોઈ કોઈની હિંમત થઈ ન હતી તેવું પણ જાણવા મળ્યું છે.

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, કેનાલમાં વાસણીયા મહાદેવ ગામના પુરુષ-મહિલા પડ્યા હોવાની પ્રાથમિક વિગતો મળી છે અને જેમના પરિવારજનોને કેનાલ પર બોલાવ્યા છે. ડભોડા પોલીસની પ્રાથમિક તપાસમાં મરનાર યુગલ પૈકી આશરે 34 વર્ષીય પુરુષ જે પરિણીત છે અને કોર્ટમાં બેલીફ તરીકે નોકરી કરતો હતો. જ્યારે ગામની જ મહિલા સાથે સુંવાળા સંબંધો હતા. મહિલા પણ પરિણીત છે અને તેને પણ બે સંતાનો છે. જેમના પતિ પોલીસ વિભાગમાં નોકરી કરે છે. જેમનું પિયર લીંબોદરા છે. બંને બે દિવસ અગાઉ ઘરેથી નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, બંનેની લાશ મળે પછી પરિવારની પૂછતાંછ કર્યા પછી વધુ વિગતો સામે આવશે.

ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા હાલમાં રાયપુર નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવનારા વાસણ મહાદેવ ગામના પ્રેમી યુગલને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. એવામાં અત્રેની કેનાલમાં થોડેક દૂર કોઈ અજાણ્યા યુવાને પણ મોતનો કૂદકો માર્યો હતો. ત્યારે પ્રેમી યુગલને શોધી રહેલી ફાયરની ટીમના અન્ય જવાનોને આ ઘટનાની જાણ થતાં તુરત કેનાલમાં ડૂબકીઓ મારીને ભારે જહેમત પછી અજાણ્યા યુવકને બહાર કાઢી લેવામાં આવ્યો છે. યુવક દહેગામના રાઠોડ વાસણા ગામનો રાહુલ નામનો યુવાન હોવાનું ફાયર બ્રિગેડને જાણવા મળ્યું છે. જેનાં હાથે આર કે લખેલું છે. જેને ગંભીર હાલતમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.