ગુજરાતમાં ઘણા દિવસ સરકારી કર્મચારીઓએ ગાંધીનગરમાં પોતાની વિવિધ માંગણીઓને લઈને સરકાર સામે આંદોલન કર્યું હતું. ગુજરાતના પાટનગરમાં આરોગ્ય કર્મચારીઓ, શિક્ષકો, પૂર્વ સૈનિકો ઉપરાંત કિસાન સંઘ દ્વારા પણ આંદોલન ચલાવ્યું હતું. આ આંદોલનને લઈને સરકાર દ્વારા ચીમકી આપવામાં આવતા આંદોલન સમેટાઈ ગયું હતું જો કે કેટલાક વિભાગની માંગ સરકારે સ્વીકાર કરી હતી અને જેને કારણે આંદોલન પૂર્ણ થયું હતું.
હજુ આ આંદોલનો પડઘો શાંત પડ્યો નથી ત્યારે આજે સુરતમાં વધુ એક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. સુરતના લાજપોર જેલના કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. આ જેલના કર્મચારીઓની કુલ 8 માંગણી છે જેને લઈને તેઓ સરકાર સામે હડતાળ પર ઉતર્યા છે. લાજપર જેલના 200થી પણ વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. આ કર્મચારીઓની માંગ પૂર્ણ ન થતા માસ સીએલ પર ઉતરી ગયા છે. કર્મચારીઓએ જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજમાં સમાવવા માંગ કરી હતી.
આ કર્મચારીઓએ પોતાની માંગણી જો ન સંતોષાય તો આગળ જતા ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે. ગુજરાત સરકારને અનેક વખત રજુઆત કરવા છતાં પણ તેઓની માંગ સ્વીકારવામાં આવી નથી જેને કારણે તેઓ હડતાળ પર ઉતર્યા છે. ગઈકાલે આ હડતાલ સમેટાઈ ગઈ હોવાના સમાચાર મળ્યા હતા જો કે આજે સવારે આ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા જેથી આ હડતાળ સમેટાઈ ગયાના સમાચાર હંબક હોવાનું જાણવા મળ્યું હતું.
આ કર્મચારીઓએ પોતાની માંગણી અંગે પોલીસ મહાનિર્દેશકને વારંવાર રજૂઆત કરી હતી. આ કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ ન આવતા તેઓ હડતાલ પર ઉતરી ગયા છે અને જ્યાં સુધી પોતાની માંગ ન સંતોષાય ત્યાં આ હડતાળ ચાલુ રાખવામાં આવશે. આ લાજપર જેલના કર્મચારીઓ જેલ પરિસરની અંદર જ હડતાળ પર ઉતરી ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.