કલોલમાં ભરબપોરે પતિએ પૂર્વ પત્નીની જાહેરમાં છરાના ઘા જીકી કરી કરપીણ હત્યા..

ગાંધીનગરના કલોલમાં યુવતીની જાહેરમાં હત્યા થતા ચકચાર મચી ગઇ છે. જો કે, છુટાછેડા બાદ પણ આરોપી ભાવેશે પૂર્વ પત્નીનો પીછો છોડ્યો ન હતો. અને ગઈકાલે કલોલના સીટી મોલ પૂજા ફાસ્ટ ફૂડ પાસે હેમાને આંતરી ભાવેશે છરાના આડેધડ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી.અને હત્યા કર્યા બાદ આરોપી ફરાર થઇ ગયો હતો. જો કે બાદમાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આ અંગે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપી પૂર્વ પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

સુરતમાં ગ્રીષ્માની જાહેરમાં હત્યા જેવી જ ઘટના કલોલમાં બનતાં સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. પૂર્વ પત્નીને લોહીના ખાબોચિયામાં તરફડતી મૂકીને નાસી છૂટેલા આરોપીને ગાંધીનગર LCBની ટીમે સોજા બસ સ્ટેન્ડ નજીક ઝડપી લીધો હતો.અને આરોપીને ફાંસીની સજા ના થાય ત્યાં સુધી હેમાબેનના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.

પોલીસના મતે હત્યા અન્ય કોઇએ નહી પરંતુ તેના પૂર્વ પતિએ જ કરી હતી. છૂટાછેડા બાદ યુવતીએ પાછા આવવાનો ઈન્કાર કરતા પૂર્વ પતિએ છરાના ઘા મારી યુવતીની જાહેરમાં હત્યા કરી હતી. મૃતક યુવતી હેમા નંદવાણી અને તેનો પૂર્વ પતિ ભાવેશ કેશવાણીએ પ્રેમલગ્ન કર્યા હતા.અને પ્રેમલગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે અણબનાવો બનતા હેમાએ દોઢ વર્ષ પહેલા છૂટાછેડા લઈ લીધા હતા.

પહેલી પત્નીને તરછોડનારા ભાવેશને પત્નીનો વિયોગ સહન થયો ના હતો અને તેણે તું મારી નહીં તો કોઈ બીજાની નહીં થવા દઉં તેવી ધમકીઓ આપી હતી.

શુક્રવારે હેમાબેન મહેંદી મૂકાવવા માટે પોતાનું સ્કૂટર લઈને ગયા હતા. તેમને ભાવેશે રસ્તામાં આંતરી લીધો અને પરત આવી જવાનું કહ્યું પણ હેમાબેને તેની વાત માનવા તૈયાર ના થતાં તેમણે છરો કાઢ્યો અને પેટમાં ત્રણ-ચાર ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી. કલોલની આ ઘટનાને ગંભીરતાથી લઈને  રેન્જ આઈજી અભય ચુડાસમા અને જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલે પોલીસની અલગ-અલગ ટીમો કામે લગાડી હતી. એલસીબી પીઆઈ એચ.પી ઝાલાની ટીમે આરોપીને શોધવા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. અને દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ નવલસિંહને મળેલી બાતમીના આધારે આરોપી ભાવેશને સોજા બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી લેવાયો હતો.

મૃતકના પરિવારજનોએ હત્યારાને કડક સજા અપાવવાની માગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ચારેક મહિના અગાઉ ભાવેશ હાથમાં છરો લઈને હેમાના ઘરની આસપાસ ફરતો હતો. ભાવેશના હાથમાં છરો જોઈને આખો પરિવાર ફફડી ઊઠ્યો હતો અને હેમાબેને ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું. મૃતકના પિતાએ ભાવેશની હરકતના વીડિયો બનાવીને પરિચિતોને બતાવ્યો હતો. સમાજના સભ્યોએ ભાવેશને સમજાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ તે જીદ પર અડગ હતો.અને બે-ત્રણ દિવસ અગાઉ ભાવેશે હેમાબેનને ફોન કરી પરત આવી જવા ધમકીઓ આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.