સામાન્ય રીતે એવું જોવા મળે છે કે, જેમ જેમ ચૂંટણી નજીક આવે છે ત્યારે રાજીનામાની મૌસમ ખીલે છે. પણ કોંગ્રેસના મોટાનેતા ગણાતા જયરાજસિંહ પરમારે કોંગ્રેસ પક્ષને અલવિદા કહી દીધા બાદ હવે મહિસાગર જિલ્લામાંથી કોંગ્રેસને ફટકો લાગ્યો છે અને બે ટર્મ સુધી ધારાસભ્ય તરીકે રહેલા નેતાએ અચાનક રાજીનામું આપી દેતા અને કોંગ્રેસ પક્ષ છોડી દેતા રાજકીય માહોલ ફરી ગરમાયો છે. મહિસાગર કોંગ્રેસના નેતા-ધારાસભ્ય હીરાભાઈ પટેલે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે.
હીરાભાઈ પટેલ હવે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે. વર્ષ 1976થી 1987 સુધી 2 ટર્મ તાલુકા પંચાયતના પ્રમુખ પદે રહ્યા હતા.અને મહિસાગર જિલ્લામાંથી આ મોટાનેતાએ રાજીનામું આપી દેતા ફરી કોંગ્રેસ તૂટી રહી છે એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. હીરાભાઈની સાથે એમના સમર્થકો સહિત 200થી વધારે સભ્યો ભાજપમાં જોડાશે અને કેસરિયો પહેરશે. જ્યારે ધારાસભ્ય સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, વર્ષ 2017માં ટિકિટ ન મળવા છતાં હું નિષ્ઠાથી કોંગ્રેસમાં કામ કરતો હતો. પણ સતત અવગણના થઈ રહી હોવાથી હું ભાજપમાં જોડાઈ રહ્યો છું. આ અંગે હીરાભાઈએ કહ્યું કે, હું કાર્યકર્તાઓ સાથે તા.21 ફેબ્રુઆરીથી કમલમ્ ખાતેથી ભાજપમાં જોડાવવાનો છું.
કોંગ્રેસ પક્ષ મે છોડી દીધો છે. મંત્રીપદ પણ છોડી દીધું છે અને કાર્યકર્તાઓએ પણ પક્ષત્યાગ કરી દીધો છે. એટલે એ નક્કી છે કે, કુલ 200થી વધારે કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે. જે મારી સાથે છે. આ બધા નાના મોટા કાર્યકર્તા છે. કોઈ મોટા પદના હોદ્દેદારો નથી. પણ ભૂતકાળમાં કોઈ તાલુકા પંચાયતની ચૂંટણી લડીને જીતેલા છે. કોઈ મોટી શૈક્ષણિક સંસ્થાના પ્રમુખ છે. કોઈ નિવૃત શિક્ષક છે. કોંગ્રેસમાં નાના મોટા હોદ્દા સાથે કામ કર્યું છે. એવા પણ ઘણા કાર્યકર્તા છે.
જિલ્લા પંચાયતમાંથી પણ કેટલાક લોકો છે. વિપક્ષના નેતા બનેલા વ્યક્તિઓ પણ છે. આ બધા લોકો ભાજપમાં આવવાના છે. વર્ષ 2007 અને 2012 આ બંને વિધાનસભાઓમાં કોંગ્રેસના કપરા સમયે પણ મેં લુણાવાડામાંથી જીત મેળવી છે. એ પછી વર્ષ 2017ની ચૂંટણી આવી એટલે પસંદગી ન કરી છતાં હું કોંગ્રેસમાં સક્રિય સભ્ય રહ્યો. પણ સતત કોંગ્રેસમાં નિષ્ઠાવાન, પ્રમાણિક કર્તવ્યનિષ્ઠ કાર્યકર્તાની અવગણના થાય ત્યારે કાર્યકર્તાઓ લઈને કોંગ્રેસ છોડું છું અને હું જાહેર કરી રહ્યો છું કે, હા હું ભાજપમાં જોડાઈ રહ્યો છું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.