રાજકોટમાં ઓપરેશન કરાવવાને કારણે પથારીવશ પોતાની વૃધ્ધ માતા બોજારૂપ લાગતા તેને પોતાના એપાર્ટમેન્ટની અગાસી પરથી લઈ જઈ નીચે ધક્કો મારી ઠંડે કલેજે હત્યા કરનાર આરોપી પ્રોફેસર પુત્ર સંદિપ વિનોદભાઈ નથવાણીને એડીશ્નલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ પી.એન.દવેએ તકસીરવાન ઠરાવી આજીવન કારાવાસની સજા ફટકારી હતી.આ કેસની વિગત એવી છે કે હત્યાનો ભોગ બનનાર જયશ્રીબેન જામનગરમાં એજયુકેશન ઈન્સ્પેકટર તરીકે નિવૃત થયા હતા. તેમના પતિનું અવસાન થઈ ગયું હતું. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હતી. જેમાંથી એક પુત્રી રાજકોટ પરણાવેલી હતી. પુત્ર એટલે કે આરોપી સંદિપ પણ રાજકોટના ૧પ૦ ફુટ રીંગ રોડ પર નાણાંવટી ચોક પાસે દર્શન એવન્યુ એપાર્ટમેન્ટમાં પત્ની અને પુત્રી સાથે રહેતો હતો અને પ્રોફેસર તરીકે નોકરી કરતો હતી. જયશ્રીબેનને બ્રેઈન હેમરેજ થતા સારવાર માટે જામનગરથી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લવાયા હતાં.
આરોપી પુત્ર સંદિપ કંટાળી ગયો હતો ;
જયાં તેમનું ઓપરેશન થયા બાદ રીકવરીમાં લાંબો સમય લાગશે તેમ તબીબોએ કહ્યું હતું. જેથી તેઓ આરોપી પુત્ર સંદિપના ફલેટમાં રહેવા ગયા હતા. જયાં તેમની મોટી પુત્રી પણ સેવા કરતી હતી. ન્યુરોની સમસ્યાને કારણે તેઓ કોઈના સપોર્ટ વગર ચાલી કે કોઈ કામ કરી શકતા ન હતા. વળી મગજની સ્થિતિ પણ સંતુલિત ન હોવાથી સ્વભાવ થોડો ચીડચીડીયો થઈ ગયો હતો. જેનાથી આરોપી પુત્ર સંદિપ કંટાળી ગયો હતો. એટલું જ નહીં તેને હવે પોતાના માતા બોજારૂપ લાગતા મનોમન તેની હત્યા કરવાનું નક્કી કરી લીધું હતું.
યોજના અંતર્ગત તે ગઈ તા.૨૭-૯-૨૦૧૭ ના રોજ માતા જયશ્રીબેનને આગળ રાખી પાછળથી પોતાનો શરીરનો ટેકો આપી ધકકા મારી અગાસી સુધી લઈ ગયો હતો. જો કે એકદા માળ ચડયા બાદ તે થાકી જતા એપાર્ટમેન્ટમાં રહેતા પિતા પુત્રને મદદ માટે બોલાવી માતા જયશ્રીબેનને અગાસીએ લઈ જઈ ખુરસી ઉપર બેસાડી દીધા હતા. ત્યારબાદ તેણે ચોથા માળેથી નીચે ફેંકી ઠંડે કલેજે હત્યા કરી નાખી હતી.ઘટનાના ત્રણેક માસ બાદ સીસીટીવી ફુટેજના આધારે રહસ્યફોટ થયો હતો. જેના આધારે ગાંધીગ્રામ-ર પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી ચાર્જશીટ રજુ કર્યું હતું. આ કેસ ચાલી જતા બન્ને પક્ષોની દલીલો, રજુઆતો ધ્યાને લઈ, પુરાવા તપાસી અદાલતે આરોપી પુત્ર સંદિપને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.
આ કેસમાં કુલ ર૯ મૌખીક પુરાવાઓ કે જેમાં ફરીયાદ, ડોકટર, પોલીસ, એફએસએલ અધિકારી, પાડોશીઓ, આરોપીની બહેન-બનેવી વગેરેનો સમાવેશ થાય છે તેમને તપાસાયા હતાં. આ ઉપરાંત ર૭ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરાયા હતા. સરકાર તરફથી એપીપી મહેશભાઈ જોષીએ રજુઆત કરી હતી..
બેનામી અરજીના આધારે હત્યા થયાનો ભાંડો ફુટયો હતો;
જયશ્રીબેનના મોત અંગે ગાંધીગ્રામ-ર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી હતી. આ ઘટનાના થોડા સમય બાદ કંટ્રોલરૂમના કોન્સ્ટેબલ બિપિન પટેલને આ બનાવ શંકાસ્પદ હોવાની માહિતી મળતા તત્કાળ ગાંધીગ્રામ-ર પોલીસના અકસ્માતે નોંધની તપાસ કરતા જમાદારને જાણ કરી હતી. એટલુ જ નહી તેને સીસીટીવી ફુટેજ ચકાસવાનું પણ કહ્યું હતું. પરંતુ થોડા સમય બાદ તે જમાદારે કોઈ બાબત શંકાસ્પદ નહી હોવાનું જણાવી દીધું હતું. ત્યારબાદ તે વખતના ડીસીપીને કોઈએ નનામી અરજી કરી બનાવ શંકાસ્પદ હોવાની જાણ કરી હતી. જેના આધારે ફરીથી તપાસ કરી સીસીટીવી ફુટેજ ચકાસતા બનાવ હત્યાનો હોવાનું ખુલ્યું હતું. આ રીતે બનાવના ત્રણ માસ બાદ હત્યાનો ગુનો નોંધાયો હતો.
૨૫ સેકન્ડના સીસીટીવી ફૂટેજ બન્યા મહત્વનો પુરાવો ;
આ સમગ્ર કેસમાં એપાર્ટમેન્ટમાં લગાડેલા રપ સેકન્ડના સીસીટીવી ફુટેજ મહત્વનો પુરાવો સાબીત થયા હતા. જે સમયે જયશ્રીબેન નીચે પટકાયા તે સમયે આરોપી પુત્ર સંદિપની અગાસી પર હાજરી હોવાનું સીસીટીવી ફુટેજ ઉપરથી સાબીત થયું હતું. જેથી સરકારી વકીલ મહેશ જોષીએ આરોપીએ અગાસી ઉપર કાંઈક કર્યું છે અગર તો કાંઈક જોયુ છે તેવી દલીલ કરી હતી. જો કાંઈક જોયુ હોય તો આરોપી સીધો તેની માતા જયા પટકાયા તે પાર્કિંગમાં દોડી જાત પરંતુ તેવું થયુ નહી પરંતુ તેના બદલે આરોપી તેના માતા પટકાયા બાદ તેના ચપ્પલ પહેરી સીધો પોતાના ફલેટમાં આવી ગયો છે. જેથી તેણે કાંઈક કર્યાનું સાબિત થાય છે. તેવી દલીલ કરી હતી. તે પહેલા તેણે એવી સ્ટોરી ઘડી હતી કે તેની માતાને સુર્યદેવતાને અંજલી આપવા હોવાથી તે લોટો લેવા માટે પોતાના ફલેટમાં ગયો હતો. પાછળથી તેના માતા ગમે તે કારણસર અગાસી પરથી નીચે પટકાઈ ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.