વેરાવળના આંબલિયાળા ફાયરીંગ પ્રકરણમાં આરોપીની માતા સાથે ફરીયાદીને અનૈતિક સંબંધ હોવાથી મારી નાંખવાના ઈરાદે ઘટનાને અંજામ આપ્યું હોવાનો ઘટસ્ફોટ થયો

વેરાવળના આંબલિયાળા ગામે આધેડ ઉપર થયેલ ખાનગી ફાયરીંગ મામલે ગણતરીના કલાકોમાં જ પોલીસે હરિયાણાના ફરીદાબાદથી પકડાયેલ આરોપીની પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં આરોપીની માતા સાથે ઇજાગ્રસ્ત એવા ફરિયાદી આધેડને અનૈતિક સંબંધ હોવાના કારણે તેના ઘરમાં ઝગડા થતા હોવાથી તેમને ખતમ કરવા તૈયારી સાથે આવી ફાયરીંગ કર્યાનો ખુલાસો થયો છે. આ મામલો ઉકેલવામાં પોલીસને નેત્રમ શાખાના સીસીટીવી ફુટેજો મહત્વપૂર્ણ બન્યા છે. આ મામલે પત્રકાર પરીષદમાં જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવેલ કે, ચાર દિવસ પૂર્વે તા.7 ના રોજ તાંતીવેલાથી આંબલીયાળા જતા રસ્તા ઉપર નગાભાઇ બામણીયા નામના આધેડ ઉપર બાઈકમાં હેલ્મેટ પહેરી આવેલા એક શખ્સે એક રાઉન્ડ ફાયરીંગ કરી નાસી ગયેલ હતો. બાદમાં ઇજાગ્રસ્ત આધેડને વેરાવળ ખાનગી હોસ્પીટલમાંથી રાજકોટ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતો. આ ફાયરીંગના બનાવથી પંથકમાં ભયનો માહોલ ફેલાયેલ હતો.
જ્યારે આધેડ નગાભાઈએ ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે ફાયરીંગ કરનાર શખ્સની શોધખોળ માટે એલસીબીના પીઆઈ એ.એસ.ચાવડા, એસઓજી પીઆઈ એ.બી.જાડેજાના નેતૃત્વમાં પોલીસ ટીમોએ જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી. દરમ્યાન પોલીસની ટીમોએ નેત્રમ હેઠળ લાગેલ સી.સી.ટી.વી. ના ફુટેજો તપાસતા ફાયરીંગ કરી નાસી જનાર શખ્સની એફ.ઝેડ. મોટરસાઈકલ અને તેના નંબર જી.જે.25 એ.સી.9103 ની માહિતી મળી હતી. જે વેરીફાઈ કરી તપાસ આગળ વધારતા અંગત બાતમીદારો પાસેથી અને ટેકનીકલ સર્વેલન્સ.મારફત માહિતી મળેલ કે આરોપી શખ્સ દિલ્હી – હરિયાણા તરફ નાસી ગયેલ છે. જેના આધારે સ્ટાફના રામદેવસિંહ જાડેજા, નરેન્દ્ર પટાટ, અજીતસિંહ સહિતનાની ટીમને તપાસ અર્થે હરિયાણા રવાના કરાયેલ હતા. બાદમાં મોડીરાત્રીના હરિયાણાના ફરીદાબાદની એક હોટલમાંથી ફાયરીંગ કરનાર આરોપી સુખદેવ ભુપતભાઈ ઓડેદરા (ઉ.વ.27) ને ઝડપી લીધો હતો. બાદમાં ગતરાત્રીના અત્રે વેરાવળ લઈ આવવામાં આવેલ હતો. આ ફાયરીંગ કરવા અંગે પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવેલ કે, આરોપી સુખદેવની માતા ફરીયાદી નગાભાઈની સાથે સંપર્કમાં હોવાના કારણે તેના ઘરમાં અવાર નવાર ઉગ્ર વાતાવરણ થતુ હતુ. જે બાબતથી કંટાળી જઈ આરોપીએ ફરીયાદીને મારવાનું નકકી કર્યુ હતુ. તેના માટે ફરીદાબાદથી દેશી બનાવટનું હથીયાર આરોપી સાથે લાવ્યો હતો. અત્રે હોટલમાં એક દિવસ રોકાઈને ઘટનાને એક દિવસ અગાઉ રેકી પણ કરી હતી. ત્યારબાદ બીજા દિવસે મારી નાંખવાના ઇરાદે ફાયરીંગની ઘટનાને અંજામ આપ્યાનું પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ છે. વધુમાં આરોપી સુખદેવ ઓડેદરા મૂળ ગામ વનાણા, તા.રાણાવાવ, જી.પોરબંદરનો અને હાલ હરિયાણાના ફરીદાબાદ ખાતે રહેતો હતો. હાલ ફાયરીંગ કરનાર હથિયાર કબ્જે કરવા તથા પુરાવાઓ એકત્ર કરવા માટે આરોપીને પ્રભાસપાટણ પોલીસને સોંપવામાં આવેલ છે. પંથકમાં ચકચાર મચાવનાર આ ઘટનામાં મોટો ઘટસ્ફોટ થતા અનેક સવાલો લોકોના મનમાં ઉઠ્યા છે. તો આવી બદલો લેવા માટે ફાયરીંગની ઘટના પ્રથમ વખત ગીર સોમનાથ જિલ્લામાં બની હોવાની જાણકારોમાં ચર્ચા થઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.