કિરણ પટેલના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ થઈ દોડતી જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતના મહાઠગ કિરણ પટેલની ધરપકડ બાદ એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. કાશ્મીરમાંથી પકડાયા બાદ મહાઠગ કિરણ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં પહેલી ફરિયાદ નોંધાઈ છે. કિરણ પટેલ વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કિરણ પટેલની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવશે. છેતરપિંડી, વિશ્વાસઘાત,સરકારી મિલકત પચાવી પાડવાનો ગુનો નોંધાયો છે અને કિરણ પટેલને જામીન મળતાની સાથે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કબજો મેળવી શકે છે

ઉત્તરાખંડ પોલીસની એક ટીમ પણ શ્રીનગર પહોંચી છે અને કિરણ પટેલની પૂછપરછ કરી રહી છે. કિરણ પટેલે ઉત્તરાખંડમાં કેદારનાથ-ઋષિકેશના વેપારીઓ સાથે બેઠક યોજી હતી. PMO અધિકારીને નામે જુલાઈ મહિનામાં વેપારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકને લઇ કિરણ પટેલની પૂછપરછ કરવા ઉત્તરાખંડ પોલીસની ટીમ શ્રીનગર પહોંચી છે. શ્રીનગરમાં કિરણ પટેલની પૂછપરછ ચાલી રહી છે અને આજે કિરણ પટેલને શ્રીનગર કોર્ટમાં રજૂ કરાશે. ગુરુવારે કિરણ પટેલની જામીન અરજી પર શ્રીનગર કોર્ટ ચુકાદો આપી શકે છે.

મહાઠગ કિરણ પટેલનું એક વધુ કારનામુ બહાર આવ્યું છે. ઘોડાસરમાં પ્રેસ્ટિજ બંગ્લોઝમાં 17 નંબરનું મકાન તેણે રાજસ્થાનના વનારામ ચૌધરી પાસેથી 5 વર્ષ પહેલાં રૂ.12 હજારમાં ભાડે રાખ્યું હતું. બાદમાં કિરણ પટેલ તેને ભાડું આપતો નહીં અને મકાન પણ ખાલી કરતો ન હતો. વનારામ ચૌધરી ભાડાની ઉઘરાણી કરે ત્યારે અલગ અલગ બહાના બતાવતો હતો. જ્યારે મકાન માલિકે કાયદેસરની કાર્યવાહી કરવાનું કહ્યું તો કિરણ પટેલ હું PMOમાં ઓફિસર છું, તેવો રોફ મારીને મારૂં તું કંઇ નહીં ઉખાડી શકે તેવી ધમકીઓ આપી હતી અને હવે નકલી ઓફિસર હોવાનું સામે આવતા મહાઠગ કિરણ પટેલ સામે ફરિયાદ નોંધાવવા માટે વનારામ ચૌધરીએ વટવા પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી હાથ ધરી છે.

શહેરમાં એક રાજકીય અને બિઝનેસ વુમનની દીકરી સાથે થોડા સમય પહેલાં કિરણ પટેલ સંપર્કમાં આવ્યો હતો અને આ યુવતીને પોતાના પાર્ટનરશીપવાળા કેફેમાં બોલાવીને વાતચીત કરતો હતો. એટલું જ નહીં અન્ય લોકોની જેમ યુવતીને વિશ્વાસ અપાવવા માટે પીએમઓમાં અધિકારી છું તેવી ઓળખ આપીને મોબાઇલમાં કદાવર નેતાઓ સાથે ફોટા પણ બતાવ્યા હતા. જો કે, યુવતીને તેની માતાએ કિરણ પટેલથી દૂર રહેવાની સૂચના આપતા તેણે સંબંધ કાપી નાખ્યા હતા આથી કરોડો રૂપિયાની મિલ્કત પચાવવાનો પ્લાન અંતે મહાઠગ કિરણનો ફેઇલ થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અમદાવાદના ખાનપુરથી લઈને કોબા સ્થિત શ્રાી કમલમ્ એમ ભાજપના કાર્યાલયોમાં નજરે ચઢેલા કિરણ પટેલના સંબંધો મુખ્યમંત્રી કાર્યાલયના PRO હિતેશ પંડયા સાથે પણ રહ્યા છે અને આ મહાઠગે 29મી જાન્યુઆરીએ અમદાવાદની હોટલ હયાતમાં G20 સમિટ હેઠળ ‘જુદાજુદા ઉદ્યોગોમાં ઉપલબ્ધતકો અને પ્રાથમિકતા” વિષયે કોન્ફરન્સનું પણ આયોજન કર્યુ હતુ અને જેમાં ગુજરાત સરકારના સચિવોને પણ આમંત્રણ અપાયુ હતુ.

જમ્મુ-કાશ્મીરમાં પોલીસે એક એવા ઠગની ધરપકડ કરી હતી, જે પોતાને PMO ઓફિસર ગણાવતો હતો. ગુજરાતમાં રહેતા આ વ્યક્તિનું નામ કિરણ પટેલ છે અને તે પોતાને PMOના એડિશનલ ડાયરેક્ટર તરીકે ઓળખાવતો હતો. આટલું જ નહીં ઠગ Z પ્લસ સિક્યોરિટી, બુલેટપ્રૂફ એસયુવીની સુવિધાઓ પણ લઈ ગયો હતો. તે હંમેશા ફાઈવ સ્ટાર હોટલમાં રહેતો હતો. પોલીસે શંકાના આધારે તપાસ કરી તો તે નકલી અધિકારી હોવાનું બહાર આવ્યું હતું અને તેની 15 દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેને ગુપ્ત રાખવામાં આવી હતી. જોકે પોલીસે ગુરુવારે ધરપકડનો ખુલાસો કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.