સુરતના હીરા બજારમા બદલો મારી છેતરપિંડી કરવાના કિસ્સાઓમાં ચિંતાજનક હદે વધારો થયો છે. ઠગ દલાલોની ટોળકી હીરાના પડીકામાં ગુટકા, ખાંડ જેવી ચીજવસ્તુઓ મુકી હીરાના વેપારીઓને છેતરી રહ્યાં છે અને આવો જ એક બનાવ તાજેતરમાં બન્યો છે. જોકે, હીરાના વેપારીની ચપળતાના લીધે ઠગ ઝડપાઈ ગયા હતા.
માટા વરાછા અબ્રામા વિસ્તારમાં રહેતા અને મીનીબજાર ડાયમંડ વર્લ્ડની સામે સહયોગ ચેમ્બર્સમાં ઓફિસ ધરાવતા 46 વર્ષીય હીરા વેપારી સાથે રૂપિયા 7.47 લાખની છેતરપિંડી થઈ છે અને રીઢા હીરા દલાલે હીરાનો માલ વેચાણ કરવાને બહાને વેપારી પાસેથી લઈ ગયા બાદ તેના સાગરીત સાથે મળી પેકેટમાંથી ઓરીજનલ હીરાઓ કાઢી તેના બદલામાં ખાંડ મુકી પેકેટને સીલ બંધ કરી પરત વેપારીને આપ્યા હતા. જોકે વેપારીને પેકેટ ઉપર શંકા જતા તેની હાજરીમાં જ પેકેટ ખોલતા તેની પોલ ખુલી જવા પામી હતી. આ ટોળકીએ આ રીતે અગાઉ પણ હીરા વેપારી સાથે છેતરપિંડી કરી છે.
બનાવની વિગત એવી છે કે મોટા વરાછા અબ્રામા રોડ ગોકુલધામ બંગ્લાની સામે અમૃત રેસીડેન્સીમાં વસવાટ કરતા મૂળ ભાવનગરના શિહોરના વતની નિલેશ મોહનભાઈ ભાયાણી (ઉ.વ.46) હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને વરાછા મીનીબજાર ડાયમંડ વર્લ્ડની સામે સહયોગ ચેમ્બર્સમાં ત્રીજા માળે ઓફિસ ધરાવે છે.
નિલેશભાઈ પાસેથી ગત તા. 25 એપ્રિલના રોજ હીરા દલાલ પ્રદિપ માધવજી ધામેલીયા (રહે,સત્યમ સોસાયટી ધોળકીયા ગાર્ડન પાસે કતારગામ)એ હીરા વેચાણ કરવાને બહાને રૂપીયા 3,43,830ની મત્તાનો હીરાનો માલ લઈ ગયો હતો અને તેના સાગરીત કિરણ કોઠારી (રહે, હીરા બજાર મહિધરપુરા) સાથે મળી પેકેટમાંથી ઓરીજનલ હીરાઓ કાઢી તેના બદલામાં ખાંડ મુકી પેકેટને સીલ કરી અને ગત તા. 5મી મે ના રોજ પરત આપી ગયો હતો.
જોકે નિલેશભાઈને શંકા જતા તેઓએ મુકેશ રવજી ભીકડીયાની હાજરીમાં જ હીરા દલાલ પ્રદિપ ધામેલીયા પાસે હીરાનું પેકેટ ખોલાવતા તેનું ભોપાળું બહાર આવી ગયું હતું અને સમગ્ર બનાવ અંગે નિલેશ ભાયાણીએ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આરોપીઓ સામે અગાઉ પણ આ જ રીતે હીરા વેપારી સાથે ઠગાઈ કરી હતી અને જેમાં હીરાના બદલામાં વિમલ ગુટકાના ટુકડાઓ મુકી વેપારીને છેતર્યો હતો. જે ગુનામાં આરોપીઓ લાજપોર જેલમાં હોવાથી પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.