દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા જીવલેણ કોરોના વાઇરસના નવા ઘાતક વેરિએન્ટ ઓમિક્રોને સમગ્ર વિશ્વની ચિંતા વધારી દીધી છે. ગુજરાતમાં પણ ઓમિક્રોનના કેસો સામે આવ્યા બાદ આરોગ્ય મંત્રાલય હરકતમાં આવ્યું છે અને જરૂરી તમામ પગલા લઈ રહ્યાં છે. જો અમદાવાદની વાત કરીએ તો, મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ પણ ઓમિક્રોનને લઈને સતર્ક બની ગયું છે. એવામાં AMCના હેલ્થ ઑફિસર ડૉ ભાવિન સોલંકીએ મહત્ત્વનું નિવેદન આપ્યું છે.
અમદાવાદમાં હાલ કોરોનાના 150 એક્ટિવ કેસો છે. ઓમિક્રોનની દહેશત વચ્ચે તકેદારીના ભાગરૂપે રિસ્ક કન્ટ્રીમાંથી આવતા તમામ મુસાફરોનો કોવિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય હોમ ક્વોરન્ટાઈ દરમિયાન સંજીવની ટીમ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું કે, છેલ્લા અઢી મહિના દરમિયાન શહેરમાં કોરોનાના 552 પોઝિટિવ કેસો નોંધાયા છે. આ 552 પૈકી 500 લોકોએ વૅક્સિનનો એક કે બન્ને ડોઝ લીધેલા છે. જ્યારે કોરોના વિરોધી રસીના એકપણ ડોઝ ના લેનારા 25 લોકો સંક્રમિત થયા છે.
552 પોઝિટિવ કેસો પૈકી 257 કેસોમાં ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. જ્યારે વૅક્સિનેટેડ લોકોને માઈલ્ડ ઈન્ફેક્શન થયું હોવાનું જાણવા મળ્યું છે. કોરોના સંક્રમણને કાબૂમાં રાખવા માટે અમદાવાદમાં રેલવે અને બસ સ્ટેશન પર પણ સઘન ચેકિંગ કરવામાં આવે છે.
કોરોનાના નવા ઘાતક વેરિએન્ટ ઓમિક્રોનની ગુજરાતમાં એન્ટ્રી થતાં આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. રાજ્યના મોટા શહેરોની હોસ્પિટલોમાં ઓમિક્રોન દર્દીઓ માટે અલાયદા વોર્ડની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.