દેશમાં ગંગા જેવી પવિત્ર નદીની આરતી થાય છે તેમ ગુજરાતમાં સરસ્વતી નદીની આરતી થાય તેવું આયોજન ઉત્તર ગુજરાતમાં કરવામાં આવ્યું છે. અંબાજી પાસે આવેલા કોટેશ્વર મંદિર પાસે સરસ્વતી આરતી થાય તે માટેના એક પ્રોજેક્ટ પર જિલ્લા કલેક્ટર તંત્ર કામ કરી રહ્યું છે. કોરોના કેસો હળવા થતાં આરતીનો પ્રારંભ કરવામાં આવશે. સરસ્વતી નદીના ઉદ્દગમ સ્થાન ગણાતા કોટેશ્વરમાં ગંગા આરતીની જેમ સરસ્વતી આરતીનું આયોજન કરવા માટે આ મંદિર પરિસર અને તેની આસપાસના વિસ્તારને વિકસિત કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.અને રામ મંદિર અને દેશ વિદેશમાં સ્થાપત્યના વિશેષજ્ઞ સીબી સોમપુરા કોટેશ્વર ધામના વિકાસ માટે સેવા આપનાર છે.
આ યાત્રાધામના વિકાસ માટે કોટેશ્વર મહાદેવ મંદિર અને તેને સંલગ્ન મિલકત તેમજ જમીનનો કબજો બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે લીધો છે અને આ મિલકતોમાં પરિસર, ગૌમુખ, વાલ્મિકી આશ્રમ, ગૌશાળા અને ખેતીની જમીનનો સમાવેશ થાય છે.
કોટેશ્વર મહાદેવ મંદિર તથા સંલગ્ન જગ્યાઓમાં યાત્રિકો માટેની પાયાની સુવિધા જેવી કે પાર્કિંગ, મંદિર તથા આશ્રમ સુધી જવાનો રસ્તો, સ્ટ્રીટ લાઈટ, પીવાના પાણીની સગવડ, શૌચાલય વિગેરે સુવિધાઓ ઉભી કરવાનું આયોજન આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
આ જગ્યાએ રિનોવેશન કરી જૂના બિનજરૂરી સ્ટ્રક્ચર કાઢી નાંખવામાં આવશે. મંદિરમાં બગીચાનું નિર્માણ કરાશે.અને ધર્મશાળાનું જર્જરીત માળખું કાઢીને સરસ્વતી નદીના ઉદ્દગમ સ્થાનનું ધાર્મિક મહત્વ ધરાવતી થીમ પર સરસ્વતીની મૂર્તિ ઉભી કરાશે. આ વિસ્તારમાં એક્વાયર કરવામાં આવેલી ખેતીની જમીનમાં આયુર્વેદિક ઉદ્યાન બનાવવાનું પણ આયોજન છે તેમજ આ જમીન ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવાશે.
અંબાજી નજીક આવેલા કોટેશ્વર ધામમાં અતિ પૌરાણિક શિવાલય છે. સીબી સોમપુરાએ વ્યસ્તતા વચ્ચે આ ધામના વિકાસ માટે જરૂરી સેવાઓ વિનામૂલ્યે આપવાનું કહ્યું છે અને તેમની આર્કિટેક્ટની ટીમ દ્વારા ટૂંકસમયમાં કોટેશ્વરમાં સર્વે કરીને માસ્ટર પ્લાન બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટને સરકારની મંજૂરી અર્થે રજૂ કરાશે. સરસ્વતી નદી ભારતીય વૈદિક પરંપરાઓની મુખ્ય નદી પૈકીની એક છે. લુપ્ત સરસ્વતી કોટેશ્વર મહાદેવના મંદિર પાસેથી ગુજરાતમાં પ્રાદુર્ભાવ પામે છે ત્યારે કોટેશ્વર મંદિરનો વિકાસ કરી યાત્રાધામ તરીકે જાણીતું થાય તેવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.