21 વર્ષે ભારતીય ક્વિનનો જલવો દેખાયો.
મિસ યુનિવર્સ 2021નો તાજ ભારતના હરનાઝ સંધૂને મળ્યો છે. 70મી મિસ યુનિવર્સ સ્પર્ધા આ વર્ષે 12 ડિસેમ્બરના રોજ ઇઝરાયલમાં યોજાઇ. આ સ્પર્ધામાં પ્રીલિમિનરી સ્ટેજમાં 75થી વધુ સુંદર અને પ્રતિભાશાળી મહિલાઓએ ભાગ લીધો હતો પરંતુ ટોપ 3માં ત્રણ દેશોની મહિલાઓએ જગ્યા બનાવી તેમાંથી એક ભારતની હરનાઝ સંધૂ પણ રહ્યા. જો કે સાઉથ આફ્રિકા અને પરાગ્વેની બંને સુંદરીઓને પાછળ છોડતા ભારતની દીકરી હરનાઝ સંધૂએ બ્રહ્માંડ સુંદરીનો તાજ પોતાના નામે કરી લીધો. આ સમારંભનો હિસ્સો બનવા ભારતથી દિયા મિર્ઝા પણ પહોંચી હતી. ઉર્વશી રૌતેલા એ આ વખતે મિસ યુનિવર્સ 2021ના કોન્ટેસ્ટને જજ કર્યું હતું.
70મી મિસ યુનિવર્સની સ્પર્ધા સોમવાર સવારે ઇઝરાયલના ઇલિયમાં આયોજીત કરાઇ હતી. તમામ ટોપ ત્રણ સ્પર્ધકોને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તમે દબાણનો સામનો કરી રહેલી મહિલાઓને શું સલાહ આપશો? તેના પર હરનાઝ સંધૂએ જવાબ આપ્યો તમારે એ માનવું પડશે કે તમે અદભુત છો, તમને તમારી જાત પરનો વિશ્વાસ જ સુંદર બનાવે છે. બહાર આવો તમારા માટે બોલતા શીખો કારણ કે તમે જ તમારા જીવનના નેતા છો. આ જવાબની સાથે જ હરનાઝ સંધૂએ આ વર્ષનો મિસ યુનિવર્સ 2021નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે.
પંજાબના ચંદીગઢની રહેવાસી હરનાઝ સંધુ વ્યવસાયે મોડલ છે. 21 વર્ષની હરનાઝે મોડલિંગ અને ઘણી સ્પર્ધાઓમાં ભાગ લીધો અને જીતવા છતાંય અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન આપ્યું. હરનાઝે વર્ષ 2017માં મિસ ચંદીગઢનો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ તેણે મિસ મેક્સ ઇમર્જિંગ સ્ટાર ઇન્ડિયાનો ખિતાબ જીત્યો. આ બે પ્રતિષ્ઠિત ટાઈટલ જીત્યા બાદ હરનાઝે મિસ ઈન્ડિયા 2019માં ભાગ લીધો અને પછી તે ટોપ 12માં પહોંચી ગઈ. મોડલિંગની સાથે હરનાઝે એક્ટિંગમાં પણ ઝંપલાવ્યું છે. હરનાઝ પાસે બે પંજાબી ફિલ્મો ‘યારા દિયાં પૂ બરાં’ અને ‘બાઈ જી કુટ્ટાંગે’ પણ છે.
ભારતે મિસ યુનિવર્સ સ્પર્ધામાં બે વખત પોતાનું સ્થાન બનાવ્યું છે. હરનાઝ ભારતની ત્રીજી મિસ યુનિવર્સ છે. સુષ્મિતા સેને વર્ષ 1994માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું ત્યારે તેણે આ ખિતાબ પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ વર્ષ 2000માં લારા દત્તાએ આ તાજ પર તેનું નામ નોંધાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.