અલંગ માં ભંગાણ અર્થે આવેલ જહાજ માં સેટેલાઇટ ફોન નો ઉપયોગ થયો હોવાને લઈને તપાસનો ધમધમાટ યથાવત્
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં હાલ સેટેલાઈટ ફોનનો મુદ્દો ઉઠ્યો છે. ભારતમાં સેટેલાઇટ ફોન પર પ્રતિબંધ છે, પરંતુ અલંગમાં આવેલા બે જહાજમાં સેટેલાઇટ ફોન મળી આવતા બંને જહાજ વિવાદમાં આવ્યા છે. થોડા દિવસ પહેલા શારજાહથી નિકળી અને અલંગ શિપબ્રેકિંગ યાર્ડ ની એક કંપની દ્વારા ખરીદવામાં આવેલું જહાજ ડીડ-1 અલંગની સામેના દરિયામાં આવી પહોંચ્યુ હતુ.
જહાજના કેપ્ટન દ્વારા થુરાયા સેટેલાઇટ ફોન દ્વારા વિદેશમાં વાત કરીને ફોન દરિયામાં ફેંકી દેવાની ઘટના સામે આવી હતી. ત્યારે હવે ભંગાણ માટે આવેલ અન્ય શિપને ખેંચી લાવનાર ટગ બોટ ચર્ચામાં આવી છે. ભંગાણ માટે આવેલા ડેડ વેસલ અબા-4 ને ખેંચી લાવનાર હલ્ક-2 ટગમાં સેટેલાઇટ ફોનનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે.
રિગ અબા-4 ને અલંગ સુધી લાવવા દરમ્યાન સેટેલાઇટ ફોન ઓન-ઓફ થયો હોવાના ડેટા મળ્યા છે. જે આધારે કસ્ટમ, નેવી, મરીન પોલીસ, કોસ્ટગાર્ડ અને એસઓજી સહિતની ટીમે તપાસ હાથ ધરી છે. 11 કલાક સુધી પૂછપરછ અને બોટની તપાસ કરી પરંતુ સેટેલાઇટ ફોન મળ્યો ન હતો.
સેટેલાઈટ ફોન પર છે પ્રતિબંધ
ભારતમાં સેટેલાઇટ ફોન પર પ્રતિબંધ છે, પરંતુ અલંગમાં આવતા જહાજમાં સેટેલાઇટ ફોન હોય તો તેના માટે નિયમો બનાવાયા છે. જો કોઈ જહાજમાં સેટેલાઈન ફોન મળે તો કેપ્ટન દ્વારા સ્ટેટમેન્ટ આપી સરન્ડર કરી શકાય છે. ઈન્ટરનેશનલ ટેરીટરીમાં સેટેલાઇટ ફોનનો ઉપયોગ કર્યો હોય તો રૂપિયા 5000 સુધીની પેનલ્ટી અને ભારતીય જળસીમામાં ઉપયોગ કર્યો હોય તો 50,000 સુધીની પેનલ્ટીનો નિયમ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.