IPL 2020: આજે મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે ટક્કર

– બંને ટીમો આંચકાજનક હાર બાદ ફરી જીતની લય મેળવવા પ્રયાસ કરશેધાા

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ધમાકેદાર દેખાવ છતાં આખરી મેચોમાં મળેલા આંચકાજનક પરાજય બાદ આવતીકાલે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ ટકરાશે, ત્યારે બંનેની નજર જીતની લય પાછી મેળવવા તરફ રહેશે. રોહિત શર્મા અને રાહુલની આગેવાની હેઠળની ટીમોમાં જબરજસ્ત પાવરહિટર્સ છે, જેના કારણે ક્રિકેટ ચાહકોને આવતીકાલે ેહાઈસ્કોરિંગ મુકાબલાની અપેક્ષા છે.

અબુ ધાબીમાં રમાનારી મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે ૭ઃ૩૦ વાગ્યાથી શરૃ થશે. આ મેદાન પર છેલ્લે રમાયેલી દિલ્હી અને હૈદરાબાદની મેચ લો સ્કોરિંગ રહી હતી અને ધીમી પીચના કારણે બંને ટીમોના ખેલાડીઓ પરેશાન રહ્યા હતા. જેના કારણે આવતીકાલે પાવરહિટર્સ આ પીચ પર કેવી રીતે રમે છે, તે જોવાનું રહેશેે.

મુંબઈ ઈન્ડિયન્સે બેંગ્લોર સામેની મેચમાં ઈશાન કિશન અને પોલાર્ડની વિસ્ફોટક બેટીંગ અને જંગી ભાગીદારીને સહારે મેચ લગભગ આંચકી જ લીધી હતી, પણ સુપર ઓવરના છેલ્લા બોલ પર બેંગ્લોરે બાજી મારી હતી. બીજી તરફ કિંગ્સ ઈલેવન પંજાબે મયંક અગ્રવાલની સદી અને રાહુલની અડધી સદીની મદદથી રાજસ્થાન સામે ૨૨૩નો જંગી સ્કોર ખડો કર્યો હતો, તેમ છતાં તેઓ તેને જાળવી શક્યા નહતા.

હવે બંને ટીમો હવે વધુ સારા બેટીંગ અને બોલિંગ પર્ફોમન્સની આશા છે. મુંબઈની ટીમે કિંગ્સ ઈલેવનના ઈન ફોર્મ બેટ્સમેનો પર નિયંત્રણ રાખવા માટે ખાસ વ્યૂહરચના ઘડી કાઢી છે. આઇપીએલ-૨૦૨૦માં અત્યાર સુધી બે સદી નોંધાઈ છે અને બંને પંજાબના બેટ્સમેનો રાહુલ અને અગ્રવાલે નોંધાવી છે. પંજાબ માટે બોલિંગ ડિપાર્ટમેન્ટ ચિંતાનું કારણ છે. તેવટિયાએ તેમના ટોચના ફાસ્ટર કોટ્રેલની એક ઓવરમાં પાંચ છગ્ગા ફટકારતા સનસનાટી મચાવી હતી. જ્યારે રાજસ્થાન સામે શમીએ ૩ વિકેટ ઝડપવા છતાં ૫૩ રન આપ્યા હતા. લેગ સ્પિનર બિશ્નોઈએ પણ ૩૪ રન આપ્યા હતા અને તેને વિકેટ મળી શકી નહતી.

મુંબઈ ઈન્ડિયન્સની બેટીંગ લાઈનઅપ અત્યંત મજબૂત છે. કેપ્ટન રોહિત, સૂર્યકુમાર, ઈશાન કિશનની સાથે સાથે પોલાર્ડ અને હાર્દિક પંડયા જેવા ઓલરાઉન્ડરો ભલભલા બોલિંગ આક્રમણની કમર તોડી નાંખવાની ક્ષમતા ધરાવે છે.

જોકે આ સિઝનમાં મુંબઈને તેમના ટોચના ફાસ્ટર બુમરાહના દેખાવમાં જોવા મળતાં ચડાવ-ઉતારની ચિંતા સતાવી રહી છે. બુમરાહે અત્યાર સુધીની ત્રણ મેચમાં માત્ર ત્રણ જ વિકેટ ઝડપી છે અને તેની બોલિંગનો પ્રભાવ અગાઉ જેવો જોવા મળ્યો નથી. કિંગ્સ ઈલેવનની ટીમની આ અબુ ધાબીમાં પહેલી મેચ છે. જ્યારે મુંબઈ અહીં એક મેચ રમવાનો અનુભવ ધરાવે છે, જે બાબત પણ મેચના પરિણામ પર અસર પાડી શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સ : રોહિત શર્મા (કેપ્ટન), આદિત્ય તારે, અનમોલપ્રીત, અનુકુલ રોય, ક્રિસ લીન, ધવન કુલકર્ણી, દિગ્વિજય દેશમુખ, હાર્દિક પંડયા, ઈશાન કિશન, જેમ્સ પેટ્ટીન્સન, જસપ્રીત બુમરાહ, જયંત યાદવ, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડયા, મેક્ક્લેઘન, મોહસીન ખાન, કોયુલ્ટર-નાઈલ, પ્રિન્સ રાય, ડી કૉક, રાહુલ ચાહર, સૌરભ તિવારી, રૃથરફોર્ડ, સૂર્યકુમાર યાદવ અને ટ્રેન્ટ બોલ્ટ.

કિંગ્સ ઈલેવન પંજાબ : રાહુલ (કેપ્ટન), અગ્રવાલ, કોટ્રેલ, ગેલ, મેક્સવેલ, શમી, મુજીબ, કરૃન, નીશામ, પૂરણ (વિ.કી.), ઈશાન પોરલ, અર્ષદીપ, એમ.અશ્વિન, ગોવ્થમ, હરપ્રીત ,હૂડા, જોર્ડર, સરફરાઝ, મનદીપ, દર્શન એન., રવિ બિશ્નોઈ, સિમરન સિંઘ (વિ.કી.), જે સુચિથ, તાજિન્દર સિંઘ, વિલ્જોન્સ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.