IPL 2020 SRH vs MI: સનરાઇઝર્સ હૈદરાબાદનો પ્લે ઓફમાં ધમાકેદાર પ્રવેશ, મુંબઇ ઇન્ડિયન્સને 10 વિકેટથી હરાવ્યું

શારજાહમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020ની 56મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે મંગળવારે મુંબઈ ઈન્ડિયન્સને દસ વિકેટે હરાવીને પ્લેઓફમાં પ્રવેશ કર્યો હતો અને કોલકાતા નાઈટ રાઇડર્સને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધી. મુંબઈ ઈન્ડિયન્સે જીતવા માટે 150 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે હૈદરાબાદએ સરળતાથી 17.1 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.

ડેવિડ વોર્નરે 85 અને રિદ્ધિમાન સાહા 58 રનનું યોગદાન આપ્યું હતું. આ મેચ જીતીને જ હૈદરાબાદે પ્લેઓફમાં સ્થાન મેળવી લીધું છે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમનાં પણ હૈદરાબાદ અને બેંગલોરની જેમ 14 પોઈન્ટ્સ જ હતા, પરંતુ નેટ રનરેટ બંને કરતા ખરાબ હોવાને કારણે તેમની ટીમ બહાર ફેંકાઇ ગઇ.

હૈદરાબાદના કેપ્ટન વોર્નરે ટોસ જીતીને મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. મુંબઈએ નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી કિરોન પોલાર્ડે 25 બોલમાં 41 રન બનાવ્યા હતા.

આ સિવાય ક્વિન્ટન ડિકોકે 25, સૂર્યકુમાર યાદવએ 36 અને ઇશાન કિશને પણ 33 રનનું યોગદાન આપ્યું હતું. તો વળી, હૈદરાબાદ તરફથી સંદીપ શર્માએ તેની ચાર ઓવરમાં 34 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે જેસન હોલ્ડર અને શાહબાઝ નદીમે 2 અને રશીદ ખાને એક-એક વિકેટ લીધી હતી.

મુંબઈના કેપ્ટન રોહિત શર્મા મેદાનમાં પરત ફર્યો. હૈદરાબાદે પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો હતો. અભિષેક શર્માની જગ્યાએ પ્રિયમ ગર્ગને પ્લેઈંગ-11માં સ્થાન મળ્યું હતું. જ્યારે મુંબઈની ટીમમાં જયંત યાદવ, જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટની જગ્યાએ રોહિત શર્મા, જેમ્સ પેટિન્સન અને ધવલ કુલકર્ણી રમ્યા હતા.

મુંબઈની ટીમ 11: રોહિત શર્મા, કવિન્ટન ડિકોક (વિકેટકીપર), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, સૌરભ તિવારી, કાયરન પોલાર્ડ (કેપ્ટન), કૃણાલ પંડ્યા, નાથન કુલ્ટર નાઇલ, રાહુલ ચહર, જેમ્સ પેટિન્સન અને ધવલ કુલકર્ણી

હૈદરાબાદની ટીમ 11: ડેવિડ વોર્નર (કપ્તાન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), કેન વિલિયમ્સન, મનીષ પાંડે, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, જેસન હોલ્ડર, શાહબાઝ નદીમ, રાશિદ ખાન, સંદીપ શર્મા અને ટી. નટરાજન

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.