ઇરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધમાં ભારત પિસાઈ રહ્યું છે

ઇરાન કહેતા પર્શિયા પ્રાચીન કાળથી ભારતનો મિત્ર દેશ છે. ઇરાન અને ભારત વચ્ચે પ્રાચીન કાળથી વેપારી અને સાંસ્કૃતિક સંબંધો ચાલ્યા આવે છે. ઇરાનના ચાબહાર બંદરનો વિકાસ કરવા પાછળ ભારતે કરોડો ડોલરનો ખર્ચો કર્યો છે. આ બંદર પાકિસ્તાનના ગ્વાદર બંદરની નજીક છે, જેનો વિકાસ ચીન કરી રહ્યું છે. ઇરાનથી ભારતમાં ખનિજ તેલની આયાત પણ કરવામાં આવે છે. ઇરાનથી ભારત વચ્ચે ખનિજ તેલની પાઇપલાઇનની યોજના અમેરિકાના વિરોધને કારણે અટવાઈ ગઈ છે. ભારતનાં લાખો નાગરિકો ઇરાન, ઇરાક, સાઉદી અરેબિયા, મસ્કત, ઓમાન, દુબઈ, અબુ ધાબી વગેરે દેશોમાં નોકરી કે ધંધો કરીને તેમની કમાણી ભારત મોકલી રહ્યા છે. અખાતી દેશોમાં ભારતના કુલ ૮૦ લાખ નાગરિકો કામ કરી રહ્યા છે, જેમાંના ૨૫ લાખ તો સાઉદીમાં છે. જો ઇરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે તો તેના છાંટા અખાતના તમામ દેશોમાં ઊડશે.

ઇરાન પ્રાચીન કાળથી ભારતનું ટ્રેડપાર્ટનર છે તો આધુનિક કાળમાં ભારતનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર અમેરિકા છે. ભારત અને અમેરિકા વચ્ચે ગાઢ વેપારી અને સાંસ્કૃતિક સંબંધો છે. ભારતનાં લાખો નાગરિકો અમેરિકામાં વસી રહ્યા છે, જેમની સલામતીની પણ ભારતે ચિંતા કરવાની છે. ઇરાન સામેના સંઘર્ષમાં અત્યાર સુધી ભારત અમેરિકાને ટેકો આપતું આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથેનો અણુકરાર ફોક કર્યો અને આર્થિક પ્રતિબંધો લાદ્યા તેમાં ભારતે પણ કમને જોડાવું પડ્યું હતું. તાજેતરમાં અમેરિકાએ બગદાદ પર હવાઇ હુમલો કરીને તેના ચીફ કમાન્ડરનું કાસળ કાઢી નાખ્યું ત્યારે ભારતે અમેરિકાનો ખુલ્લો વિરોધ કરવાને બદલે મધ્ય પૂર્વમાં યુદ્ધ બાબતમાં ચિંતા વ્યક્ત કરીને સંતોષ માન્યો હતો. હવે ઇરાને ઇરાકના અમેરિકી લશ્કર પર મિઝાઇલો વડે હુમલો કર્યો છે ત્યારે પણ ભારતે તેવી જ પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. અમેરિકા દ્વારા જે હુમલો કરવામાં આવ્યો તેને આતંકવાદવિરોધી પગલું ગણી શકાય નહીં; કારણ કે સુલેમાની ઇરાનનો સેનાપતિ હતો.

ઐતિહાસિક રીતે ઇરાન પશ્ચિમવિરોધી પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું છે. પર્શિયા ભૂતકાળમાં પણ રોમના સામ્રાજ્ય સામે યુદ્ધો લડી ચૂક્યું છે. ઇરાન શિયા સંપ્રદાયનું મોટામાં મોટું કેન્દ્ર રહ્યું છે. ગલ્ફમાં જે સુન્ની સામ્રાજ્યો છે તેની સાથે પણ ઇરાનનો સતત સંઘર્ષ ચાલ્યો આવે છે. અમેરિકાનું ખંડિયું રાષ્ટ્ર સાઉદી અરેબિયા ઇરાનનું સૌથી મોટું દુશ્મન છે. ઇરાને ઘણી વખત ઇઝરાયલનું અસ્તિત્વ મિટાવી દેવાનો પોતાનો નિર્ધાર જાહેર કર્યો છે. ભારતે તાજેતરનાં વર્ષોમાં ઇઝરાયલ સાથે પણ મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવ્યા છે. ઇરાનનું આગલું ટાર્ગેટ ઇઝરાયલ હશે તેમ માનવામાં આવે છે. આ પરિસ્થિતિમાં જો ઇરાન ઈઝરાયલ પર ત્રાટકે તો ભારતે કોનો પક્ષ લેવો જોઈએ?
ઠંડાં યુદ્ધના દિવસોમાં ભારત રશિયાનું સાથી મનાતું હતું, માટે તે ઇરાનનું પણ સાથી મનાતું હતું. બીજી બાજુ ગલ્ફના દેશો અમેરિકાની નજીક મનાતા હતા. ઠંડા યુદ્ધની સમાપ્તિ પછી ભારતે સાઉદી અરેબિયા, દુબઇ, અબુ ધાબી, કુવૈત, ઓમાન, કતાર, બહેરીન વગેરે દેશો સાથે પણ ઘનિષ્ઠ સંબંધો વિકસાવ્યા છે. ભારત જેટલા ખનિજ તેલની આયાત કરે છે તેના ૯૦ ટકા ખનિજ તેલ ગલ્ફના દેશોમાંથી આવે છે. વળી ભારતનાં લાખો નાગરિકો ગલ્ફના દેશોમાં કરોડો ડોલર કમાઇને ભારત મોકલે છે, જેને કારણે ભારતના અર્થતંત્રને ચિક્કાર ફાયદો થાય છે. જો ગલ્ફના દેશો ઇરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધમાં કૂદી પડે તો ભારતે સૌથી પહેલું કામ તો તેના નાગરિકોને બચાવવાનું કરવું પડે. તેમને ખાલી કરાવવા કુવૈતમાં મોકલ્યાં હતાં તેવાં વિમાનો મોકલવાં પડે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.