ઇરાને પોતાના રાષ્ટ્રીય ચેમ્પિયન ખેલાડીને આપેલી ફાંસીનો વિવાદ શું છે ?

ઇરાનમાં નાવિદ અફકારી નામના રાષ્ટ્રીય ચેમ્પિયન કુશ્તી ખેલાડીને આપવામાં આવેલી ફાંસી ચર્ચાનો વિષય બની છે. આમ તો આ ખેલાડી પર હત્યાનો આરોપ હતો તેમ છતાં  ઇરાનના આ પગલાની દુનિયામાં ટીકા થઇ રહી છે.અફકારીને ઇરાનના શિરાજ શહેરમાં અદેલ અબાદ જેલમાં ગત શનિવારના રોજ ફાંસીએ લટકાવવામાં આવ્યો હતો એટલું જ નહી માતા પિતાને મૃતક પુત્રના અંતિમ સંસ્કારમાં પણ ભાગ લેવા દેવામાં આવ્યો ન હતો. પહેલવાન નાવિદની વર્ષ ૨૦૧૮માં ધરપકડ કરવામાં આવવી ત્યારે સરકાર વિરોધી પ્રદર્શન દરમિયાન એક સુરક્ષા સૈનિકની હત્યા કરવાનો આરોપ મઢવામાં આવ્યો હતો.

આ પ્રદર્શન ઇરાનમાં વધતી જતી મોંધવારી,બેકારી જેવી સમસ્યાઓ સામે હતું આથી ઇરાન સરકારને ના ગમે તે સ્વભાવિક જ હતું. નાવેદ અફકારી પણ આ પ્રદર્શનમાં હતો અને તેણે પોતે કરેલા ગુનાની કબૂલાત કરી લીધી હતી. નાવિદ જાણીતો કુશ્તીબાજ હોવાથી માનવ અધિકાર સંગઠનોનું તેના પર જલદી ધ્યાન પડયું હતું. માત્ર નિવેદનને આધાર બનાવીને પુરતી તપાસ કર્યા વિના ફાંસી આપવાનું કારણ સરકાર વિરોધી પ્રદર્શનમાં હાજરી હતી. નાવિદના વકિલે પણ નોંધ્યું હતું કે નાવિદે સરકારની ટીકા કરવાની હિંમત કરી હતી પરંતુ તે ગુનેગાર હોવાની કોઇ જ સાબીતી મળતી ન હતી.

દુનિયા ભરના માનવ અધિકારવાદી સંગઠનોએ ફાંસીને વખોડી કાઢી છે. યુરોપિય સંઘ તો કોઇ પણ ગુનેગારને ફાંસી આપવાનું વિરોધી રહયું છે. તેની વિદેશનીતિના પ્રમુખ જોસેપ બોરેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે યૂરોપિય સંઘ કોઇ પણ સંજોગોમાં મુત્યુદંડને માન્ય ગણતું નથી તેમાં કોઇ જ અપવાદ હોઇ શકે નહી. અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિયોએ પણ માનવ ગરિમા પરનો હુમલો ગણાવી છે. સોશિયલ મીડિયામાં નવીદ અફકારીની ફાંસીની નિંદા કરવા બદલ જર્મનીના રાજદૂતને પણ ઇરાનના વિદેશ મંત્રાલયનો ઠપકો સાંભળવો પડયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ઇરાનમાં ધાર્મિક કટ્ટરતા ઉપરાંત સરકારનો વિરોધ ખૂબજ મોટો ગુનો ગણાય છે.કાયદો અને વ્યવસ્થાના નામે ઇરાનની જેલો કેદીઓથી ઉભરાય છે જેમાં સરકાર વિરોધી વલણ ધરાવતા કેદીઓ પણ ઘણા છે. માર્ચ મહિનામાં વુહાન વાયરસે ઇટલી અને ઇરાનમાં કાળો કેર વરતાવ્યો ત્યારે કેદીઓથી ઉભરાતી જેલોને સંક્રમણથી બચાવવા ઇરાન સરકારે હજારો કેદીઓને પેરોલ પર છોડી મુકયા હતા. એ સમયે ઇરાનની જેલમાં કેદીઓની સ્થિતિ અને બહુ સંખ્યા અંગે દુનિયાને જાણવા મળ્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.