ઈસ્લામ વિરોધી હોવાના આરોપ સાથે ઈમરાન સરકારે PUBG પર મુક્યો પ્રતિબંધ

 

પાકિસ્તાનમાં ઈસ્લામ વિરોધી કન્ટેન્ટ શેર થતું હોવાના આરોપ સાથે ટિકટોક પર પ્રતિબંધની પણ માંગ

 

પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે ખૂબ જ લોકપ્રિય એવી મોબાઈલ ગેમ પબજી પર પ્રતિબંધ મુકી દીધો છે. આ સાથે જ સરકારે આ ગેમ ઉપર ઈસ્લામ વિરોધી હોવાનો આરોપ પણ મુક્યો છે. સરકારે આ ગેમને સ્વાસ્થ્ય બગાડનારી ગણાવી હતી અને સાથે જ તેને એક ખરાબ લત કહી હતી. સરકારના કહેવા પ્રમાણે આ રમતની લતના કારણે યુવાનોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અર્થમાં પ્રભાવો પડે છે.

પબજી ગેમ પરના પ્રતિબંધના કારણે ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ પાર્ટીને યુવાનોના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે. જો કે સરકારના આ પગલાની ખૂબ વ્યાપક સ્તરે પ્રશંસા પણ થઈ રહી છે.

ચૂંટણીમાં તહરીક એ ઈન્સાફને નુકસાનની સંભાવના

ભારતની જેમ પાકિસ્તાનના યુવાનોમાં પણ મલ્ટીપ્લેયર મોબાઈલ ગેમ પબજી ખૂબ જ લોકપ્રિય છે. આ ગેમ પર પ્રતિબંધ મુકાવાના કારણે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે આગામી ચૂંટણીમાં યુવાન મતદાતાઓ ઈમરાનની પાર્ટીને મત નહીં આપે.

પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટીના અહેવાલ પ્રમાણે પબજી ગેમના કારણે દેશના યુવાનો પર માનસિક દબાણ પડી રહ્યું છે. આ સંજોગોમાં યુવાનોના આત્મહત્યાના કેસમાં પણ વધારો થયો છે. અત્યાર સુધીમાં પાકિસ્તાનના ત્રણ યુવાનોએ આત્મહત્યા કરી લીધી છે.

ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન પીટીઆઈએ પબજી ગેમના અમુક દૃશ્યો ઈસ્લામ વિરોધી હોવાનો દાવો કર્યો હતો અને તેને પાકિસ્તાનમાં મંજૂરી ન આપી શકાય તેમ જણાવ્યું હતું.

2013માં પણ પ્રતિબંધ મુકાયેલો

પાકિસ્તાન સરકારે 2013ના વર્ષમાં કોલ ઓફ ડ્યુટી અને મેડલ ઓફ ઓનર ગેમ પર પ્રતિબંધ મુક્યો હતો. આ ગેમ્સમાં પાકિસ્તાન આતંકવાદીઓના અડ્ડા તરીકે દર્શાવાયું હોવાના તર્ક સાથે સરકારે તેના પર પ્રતિબંધ મુક્યો હતો. તે સિવાય પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને અલકાયદા સહિત અનેક આતંકવાદી સંગઠનોમાં પણ સંબંધ દર્શાવાયો હતો.

પાકિસ્તાનમાં ચીનની લોકપ્રિય વીડિયો એપ ટિકટોક પર પ્રતિબંધ મુકવા માટે પણ અરજી દાખલ કરાઈ છે. જો કે પાકિસ્તાનમાં તેના પર પ્રતિબંધ મુકવા માટે ધાર્મિક કારણ આપવામાં આવ્યું છે. અરજી પ્રમાણે ટિકટોકના માધ્યમથી સોશિયલ મીડિયામાં ઈસ્લામ વિરોધી કન્ટેન્ટ શેર થઈ રહ્યું છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.