ગાઝા પર ઇઝરાયલે કર્યો હુમલો PIJએ સામે 100થી વધારે રૉકેટ છોડ્યા, એક કમાન્ડર સહિત 10ના મોત …

ઈઝરાયલે ફરી ગાઝા પર હુમલો કર્યાનું સામે આવ્યું છે અને મળતી વિગતો મુજબ ઈઝરાયેલના હુમલામાં ગાઝામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. જોકે મૃતકોમાં પેલેસ્ટિનિયન સશસ્ત્ર જૂથનો ટોચનો કમાન્ડર પણ છે. પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે, મૃતકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. ઇઝરાયેલના હુમલામાં ડઝનબંધ લોકો ઘાયલ પણ થયા છે. ઈઝરાયેલના વડાપ્રધાન યાયર લેપિડે કહ્યું છે કે, પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદ (PIJ)ના ખતરાને ધ્યાનમાં રાખીને આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ સપ્તાહની શરૂઆતમાં PIJ સભ્યની ધરપકડ કરવામાં આવી હતી.

આ તરફ ઈઝરાયેલના હુમલાના જવાબમાં પીઆઈજેએ ઈઝરાયેલ પર ઓછામાં ઓછા 100 રોકેટ છોડ્યા છે. જેમાં મોટાભાગના રોકેટને ઇઝરાયેલ દ્વારા તેની મિસાઇલ સંરક્ષણ પ્રણાલી આયર્ન ડોમ દ્વારા અધવચ્ચે જ નષ્ટ કરવામાં આવ્યા હતા અને આ તરફ ઇઝરાયેલના ઘણા શહેરોમાં સાયરન સંભળાયા અને ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ કહ્યું છે કે, શુક્રવારે મોડી સાંજે પણ હુમલા કરવામાં આવ્યા હતા અને ઉગ્રવાદીઓના ટાર્ગેટને નિશાન બનાવવામાં આવ્યા હતા.

સમગ્ર મામલે ઇઝરાયેલના વડાપ્રધાન લેપિડે જણાવ્યું હતું કે, “ઇઝરાયેલે આતંકવાદ વિરુદ્ધ જોરદાર અભિયાન શરૂ કર્યું છે. જો આવું નહીં કરતાં તો ટૂંક સમયમાં આપણા દેશમાં મોટી મુસીબત આવી જાત. IDFએ કહ્યું છે કે, હુમલામાં પ્રભાવિત વિસ્તારો PIJ સાથે જોડાયેલા છે અને આમાં ગાઝામાં પેલેસ્ટિનિયન ટાવરનો સમાવેશ થાય છે. આ ઈમારતમાં જબરદસ્ત વિસ્ફોટ થયો હતો અને ધુમાડાના ગોટેગોટા ઉછળતા જોવા મળ્યા હતા.

આ તરફ પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે. ઇઝરાયેલના હુમલામાં તૈસીર જબારી સહિત PIJના ચાર સભ્યો માર્યા ગયા હતા. આ સિવાય મૃતકોમાં પાંચ વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે અને તેમનું કહેવું છે કે ઈઝરાયેલના હુમલામાં અન્ય 55 લોકો ઘાયલ પણ થયા છે. ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તાએ કહ્યું કે, IDFનો અંદાજ છે કે, 15 આતંકવાદીઓ માર્યા ગયા છે.

તો વળી ઈરાનની રાજધાની તેહરાનની મુલાકાતે આવેલા પીઆઈજેના જનરલ સેક્રેટરી ઝિયાદ અલ-નખાલાએ કહ્યું છે કે, અમે ઈઝરાયેલના આક્રમણનો જડબાતોડ જવાબ આપીશું અને આ યુદ્ધમાં જીત આપણા લોકોની જ થશે. આ સંઘર્ષમાં કોઈ લાલ રેખા નથી. તેલ અવીવ પણ આપણા રોકેટના નિયંત્રણમાં છે. ગાઝાનું વહીવટીતંત્ર હમાસ સાથે છે અને તેણે કહ્યું છે કે, સશસ્ત્ર જૂથો એક છે અને ચૂપ રહેશે નહીં અને સોમવારે રાત્રે ઇઝરાયેલે બસેમ સાદી નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. તેમને વેસ્ટ બેન્ક પીઆઈજેના વડા તરીકે વર્ણવવામાં આવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.