ઈઝરાયલનો ભારતને મિત્રતા સંદેશ, ‘તેરે જેસા યાર કહાં….’

વડાપ્રધાન મોદી ઈઝરાયલના પ્રવાસે ગયા ત્યારે નેતન્યાહૂ પ્રોટોકોલ તોડીને તેમને રિસીવ કરવા પહોંચ્યા હતા

 

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના મિત્રતાપૂર્ણ સંબંધો જગજાહેર છે. આ મિત્રતાને ભારતમાં ઈઝરાયલના દૂતાવાસે બોલિવુડ સ્ટાઈલમાં સેલિબ્રેટ કરી છે. ઈઝરાયલના દૂતાવાસે ટ્વિટર હેન્ડલ પર બોલિવુડ ફિલ્મનું પ્રખ્યાત દોસ્તી ગીત ‘તેરે જેસા યાર કહાં..’ની ધૂન પર બંને દેશના મૈત્રીપૂર્ણ સંબંધો દર્શાવ્યા છે. આ તરફ અમેરિકી દૂતાવાસે પણ ભારતને મિત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે.

પ્રોટોકોલ તોડીને આવ્યા હતા નેતન્યાહૂ

નેતન્યાહૂ અને વડાપ્રધાન મોદી વચ્ચે ઘણા લાંબા સમયથી સારા સંબંધો છે. બંને નેતાઓ એક બીજા સાથેની મિત્રતા વ્યક્ત કરવામાં કદી અચકાતા નથી. વડાપ્રધાન મોદી ઈઝરાયલના પ્રવાસે ગયા ત્યારે નેતન્યાહૂ પ્રોટોકોલ તોડીને તેમને રિસીવ કરવા પહોંચ્યા હતા. ઈઝરાયલે આવું સ્વાગત અગાઉ ફક્ત અમેરિકી રાષ્ટ્રપતિ અને ઈસાઈ ધર્મના સર્વોચ્ય ધર્મગુરૂ પોપ માટે જ કર્યું હતું.

ટ્વિટ કર્યો મિત્રતાનો વીડિયો

મિત્રતાનો આવો ગરમાવો ઈઝરાયલના ટ્વિટમાં પણ જોવા મળ્યો હતો. ટ્વિટ કરવામાં આવેલા વીડિયોમાં બંને નેતાઓની મુલાકાતની ઝલક રજૂ કરાઈ છે. સાથે જ કોરોના વાયરસ મહામારી વિરૂદ્ધ સાથે લડવાની પ્રતિબદ્ધતા પણ જોવા મળી હતી. તેમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક આઈકોનિક ફિલ્મ ‘યારાના’નું ગીત ‘તેરે જેસા યાર કહાં..’ એવું છે. આ તરફ અમેરિકી દૂતાવાસે પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર શેર કરીને ફ્રેન્ડશિપ ડે વિશ કર્યું છે.

બહુ જૂની છે આ મિત્રતા

નેતન્યાહૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની મિત્રતા ખૂબ જ જૂની છે. 2019માં નેતન્યાહૂ ચૂંટણી પ્રચાર અભિયાનમાં જોતરાયા હતા તે સમયે દેશમાં અનેક સ્થળે પીએમ મોદી સાથે તેમના વિશાળ હોર્ડિંગ્સ જોવા મળ્યા હતા. ભારતમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની તો નેતન્યાહૂએ પણ ટ્વિટ કરીને પોતાના મિત્ર મોદીને શુભેચ્છા પાઠવી હતી. કોરોના વાયરસ સામેની લડાઈમાં પણ ઈઝરાયલ અને ભારત એક સાથે ઉભા છે. ભારતે ઈઝરાયલને હાઈડ્રોક્લોરોક્વીન મોકલી તેના બદલામાં નેતન્યાહૂએ ટ્વિટ કરીને મોદીનો આભાર માન્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.