કોરોના વાયરસના કારણે દેશમાં લોકડાઉન લાગુ છે. લોકડાઉનને કારણે લોકોને ભલે અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હોય, પરંતુ પર્યાવરણ અને પ્રકૃતિ માટે તો આ લોકડાઉન લાભદાયી નિવડ્યું છે. લોકડાઉનના કારણે પ્રદૂષણમાં અભુતપૂર્વ ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ નદીઓના પાણી પણ એકદમ શુદ્ધ અને પ્રદૂષણમુક્ત થાય છે. સરકાર જે કામ કરોડો રુપિયાના ખર્ચ છતા ના કરી શકી તે ગંગા અને યમુના નદીને સ્વચ્છ કરવાનું કામ લોકડાઉને કરી આપ્યું છે.
સોશિયલ મીડિયા પર ગંગા નદીના ફોટો અને વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યા છે. જેમાં ગંગા નદીનું શુદ્ધ થયેલું પાણી દેખાય છે. ગંગા નદીનું પાણી એટલું શુદ્ધ થયું છે કે તળીયાની જમીન ઉપરથી જ સ્પષ્ટ દેખાવા લાગી છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પર્યાવરણ બોર્ડના જણાવ્યા પ્રમાણે ગંગા નદીના પાણીમાં હાનિકારક જીવાણુ અને ગંદકીમાં અભુતપૂર્વ ઘટાડો થયો છે. ઋષિકેશ, હરિદ્વાર, બનારસ, બિહાર વગેરે તમામ જગ્યા પર ગંગા નદીનું પાણી એકદમ શુદ્ધ થયું છે. પાણી એટલું શુદ્ધ થયું છે કે હવે તે સીધું પીવાલાયક છે.
લોકડાઉનના કારણે ગંગાના કિનારા ઉપર તમામ પ્રકારની પ્રવૃતિ થંભી ગઇ છે. ઉપરાંત આસપાસની તમામ ફેક્ટરી, ઉદ્યોગો અને માનવ પ્રવૃતિ પણ બંધ છે. જેથી ગંગાને આ નવજીવન મળ્યું છે, તેમ કહી શકાય. જે માછલીઓ ગંદકી અને પ્રદૂષણના કારણે મોતને ભેટતી હતી, તેઓ હવે ઘાટના પગથિયા પર જોવા મળે છે. ગંગા કિનારે રહેતા લોકો જણાવે છે કે છેલ્લા 40 વર્ષમાં ગંગા પહેલી વખત આટલી શુદ્ધ થઇ છે.
સોશિયલ મીડિયા પર લોકો ગંગા નદીના વીડિયો અને ફોટો શેર કરતા લખે છે કે, ગંગા નદીને જાણે કે આ દિવસની જ રાહ હતી. લોકોના પાપ ધોઇ ધોઇને મેલી થયેલી મા ગંગા હવે શુદ્ધ થઇ રહી છે. હવે ખરેખર ગંગા નદીમાં જ સ્વર્ગ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.