જે કામ નહીં કરે એને બદલી નાખતા સમય નહીં બગાડું :સી.આર. પાટીલનો હુંકાર

 

ભાજપના પ્રદેશ પ્રમુખ બનેલા સી. આર. પાટીલે આજે સોમનાથ ખાતે સન્માન સમારોહમાં પોતાનો એજન્ડા સ્પષ્ટ કરતા હોય તેમ કહ્યું હતું કે, ભાજપમાં હવે જેઓ કામ નહીં કરતા હોય તેમને બદલી નાખવામાં આવશે. તેમણે ચૂંટણી જીતાડવી એ કાર્યકરોની ફરજ ગણાવી હતી. સોમનાથ ખાતે બે હજાર જેવી મેદની એકત્ર કરીને ભાજપે નિયમોને ચાતરીને ગોઠવેલો તેમનો સન્માન સમારંભ, રેલી વગેરે સામે લોકોમાં ભારે નારાજગી વ્યાપી હતી.

સોમનાથ ખાતે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જ ભાજપનું શક્તિ પ્રદર્શન થયું ત્યારે ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. નાના માણસો માટે કાયદો છે એવા કચવાટ સાથે લોકોમાં પ્રશ્ન ઊઠયો હતો કે શું લોકશાહી આવી હોય ? ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ૨૦૦ જેટલી મોટરકારના કાફલા સાથે આવી પહોંચ્યા ત્યારે ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને નાની બાળાએ કુમકુમ તીલક કરેલ હતું.

દીવાળી કરતા પણ વિશેષ માહોલ સોમનાથ વિસ્તારમાં છવાયો હતો. પાટીલ જાણે કે કોરોનાને હરાવીને નીકળ્યા હોય તે રીતે તેનું અતિભવ્ય સ્વાગત થતું હતું ! સન્માન સમારોહમાં સી. આર. પાટીલે જણાવ્યુ હતું કે હવે કોંગ્રેસના કોઈપણ કાર્યકરને લેવાની જરૂર નથી, ભાજપ દ્વારા એક પણ કોંગ્રેસના ધારાસભ્યને જીતવા નહીં દેવાય તે અમારો સંકલ્પ છે તેમજ ગીર સોમનાથ જિલ્લામાં એકપણ ધારાસભ્ય કોંગ્રેસી ન હોય તેવો સંકલ્પ કરજો. નોંધનીય છે કે, હાલ ૪ સીટ કોંગ્રેસ પાસે છે. થોડી જ વાર પહેલાં પાટીલે તાલાલામાં કોંગ્રેસીઓને ભાજપ પ્રવેશ અપાવ્યો હતો તે મુદ્દે પણ ગણગણાટ છવાયો હતો.

તેમણે ઉમેર્યું કે, ચૂંટણી જીતાડવાની ફરજ કાર્યકરોની છે. એકાદ માસ પછી સોમનાત આવીશ, જે કામ નહીં કરે તેને બદલી નાખતા સમય નહીં બગાડું. હવે મારા બેનરો મારતા નહીં, મોદીજી જેવા નેતાઓના બેનરો હોય.

સોમનાથ મંદિર પરીષરમાં વિશાળ સંખ્યામાં હાજરીમાં ફોટો સેશન થયું હતું, તેમજ સન્માન સમારોહ સ્થળે ૧૫૦૦ થી ૨૦૦૦ કાર્યકરો, બીલ્ડર્સો, ઉદ્યોગપતિ તેમજ જેનું ભાજપ સાથે હીત અને આર્થિક વ્યવહાર સચવાય છે તે તમામે હાજરી પુરાવી હતી. સોમનાથ મંદિરની અંદર શિવભક્તો લાઈનમાં આવી દર્શન કરતા હતા ત્યારે પાટીલે ફોટાઓ લેવડાવી ખુલ્લેઆમ શક્તિ પ્રદર્શન કરેલ હતું !

સોમનાથ મંદિરમાં નેતાઓનું ફોટો સેશન

૨૦૦ થી વધારે મોટરકારનો કાફલો નીકળ્યો હતો, જેથી ૧૦ કિલોમીટર જેટલી લાંબી લાઈનો સાથે ટ્રાફિક જામ થઈ ગયો હતો. પ્રદેશ ભાજપ પ્રમુખે સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ પૂજા, ધ્વજા ચડાવી હતી. એ પછી સી. આર. પાટીલ, સાંસદ રાજેશ ચુડાસમા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઈ ઠકરાર સહિતના આગેવાનોએ સોમનાથ મંદિરની અંદર ફોટો સેશન કરાવેલું હતું.

પાટીલની આંખમાં ડટ્ટી વાગતા ઈજા

સી. આર. પાટીલનું ફૂલોની તોપથી સ્વાગત થયું હતું ત્યારે તેમને ડટ્ટી ઉડી આંખમાં લાગી જતા તાત્કાલીક સારવાર માટે વેરાવળ આંખના સર્જન તેમજ એમ. ડી. ડોક્ટર પાસે લઈ જવાયા હતા, જ્યાં સારવાર કરાવી હતી. કોઈ ગંભીર ઈજાઓ ન હોવાથી આંખમાંથી કણું કાઢી રજા આપી દેવાઈ હતી

આજે તાલાલા પહોંચેલા ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ સી.આર. પાટીલનું વરસતા વરસાદ વચ્ચે કેસરીયા કાર્યકરોએ મોટી સંખ્યામાં જોડાઈને શાહી સ્વાગત કર્યુઁ હતું! સાસણ ગીરથી પ્રાયવેટ સફારી કાર એવી ૯૦ જીપ્સી સહિત ૪૦૦ વાહનો અને ૧૦૦ થી વધુ ટુવ્હીલરના કાફલા સાથે તાલાલા શહેરમાં પ્રદેશ  ભા.જ.પ. પ્રમુખને ભાજપ કાર્યકરોએ ઢોલ ત્રાસા તથા આતશબાજી સાથે વધાવ્યા બાદ તાલાલા શહેર તથા તાલુકા ભા.જ.પ. પરિવાર તેમજ તાલાલા બ્રહ્મ સમાજ સહિત વિવિધ સમાજ દ્વારા ફુલહાર તથા મોમેન્ટો અર્પણ કરી અભિવાદન કરાયું હતું. માત્ર ત્રણે’ક મિનિટના એમના રોકાણ પછી ટ્રાફિક ક્લિયર થતાં બે કલાક લાગી ગયા હતા!

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.