જે કરવું હોય તે કરો, હું ઈન્દિરાની પૌત્રી, BJPની અઘોષિત પ્રવક્તા નથીઃ નોટિસ પર પ્રિયંકાનો જવાબ

કાનપુર બાળ સંરક્ષણ ગૃહમાં 57 છોકરીઓ કોરોના વાયરસ પોઝિટિવ અને તેમાંથી છ ગર્ભવતી મળી આવતા પ્રિયંકાએ આ મુદ્દો ચગાવેલો

કાનપુર શેલ્ટર હોમમાં અનેક બાળકીઓ કોરોનાથી સંક્રમિત મળી આવી ત્યાર બાદ તે મુદ્દે રાજકારણ ગરમાયું છે. ઉત્તર પ્રદેશ બાળ સંરક્ષણ આયોગે આ મુદ્દે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને નોટિસ મોકલી હતી. ત્યારે આજે સવારે પ્રિયંકા ગાંધીએ આ મુદ્દે પોતાનો જવાબ આપ્યો છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે તેઓ ઈંદિરા ગાંધીના પૌત્રી છે, ભાજપના કોઈ અઘોષિત પ્રવક્તા નહીં.

પ્રિયંકા ગાંધીએ પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે, ‘જનતાના એક સેવક તરીકે મારૂં કર્તવ્ય યુપીની જનતા પ્રત્યે છે અને તે કર્તવ્ય સચ્ચાઈને તેમના સામે રાખવાનું છે. કોઈ સરકારી પ્રોપેગેન્ડાને આગળ રાખવાનું નહીં. યુપી સરકાર પોતાના અન્ય વિભાગો દ્વારા મને ખોટી ધમકીઓ આપીને પોતાનો સમય વ્યર્થ કરી રહી છે.’

પ્રિયંકા ગાંધીએ આગળ લખ્યું હતું કે, જે પણ કાર્યવાહી કરવા માંગતા હોય તે ચોક્કસ કરે. હું સચ્ચાઈ સામે રાખતી રહીશ. હું ઈંદિરા ગાંધીની પૌત્રી છું, વિપક્ષના કેટલાક નેતાઓની જેમ ભાજપની અઘોષિત પ્રવક્તા નહીં.

ઉલ્લેખનીય છે કે કાનપુરના શેલ્ટર હોમમાં થોડા દિવસો પહેલા 57 છોકરીઓ કોરોના વાયરસથી પોઝિટિવ મળી આવતા ભારે હડકંપ મચ્યો હતો. તે સિવાય તેમાંથી આશરે 6 છોકરીઓ ગર્ભવતી હતી અને ત્યારથી જ પ્રિયંકા ગાંધી વાડ્રા આ મુદ્દાને ચગાવી રહી છે.

થોડા દિવસ પહેલા પ્રિયંકા ગાંધીએ પોતાની ફેસબુક પોસ્ટમાં કાનપુર શેલ્ટર હોમની કેટલીક સગીર છોકરીઓ ગર્ભવતી અને ખાસ કરીને એચઆઈવી, હિપેટાઈટીસ સીથી સંક્રમિત હોવાની વાત કહી હતી. આ કારણે પ્રદેશના બાલ સંરક્ષણ આયોગે નોટિસ ફટકારી હતી. આ નોટિસમાં લખવામાં આવ્યું હતું કે તે પોસ્ટને ત્રણ દિવસની અંદર દૂર કરવામાં આવે નહીં તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.