જગદીશ પટેલને ટિકિટ આપી કેન્દ્રીય નેતાગીરીએ ગુજરાત ભાજપને આંચકો આપ્યો!

વિજય રૂપાણી ઇચ્છતા હતા કે, અમરાઈવાડી બેઠક પરથી હાલ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટને મેદાન લડાવવામાં આવે પણ…અમદાવાદ: ગુજરાત વિધાનસભાની અમરાઈવાડી, લુણાવાડા,ખેરાલુ, બાયડ, રાધનપુર અને થરાદ સહિત છ ખાલી પડેલી બેઠકો માટે 21 ઑકોટોબરના રોજ ચૂંટણી યોજવાની જાહેર કરી છે. આ સાથે જ, આ બેઠકો પર પોતાના માણસોને ગોઠવવાની રાજનીતિ ભાજપમાં શરૂ થઇ હતી.

અમરાઈવાડીમાં ભાજપના એક જ જૂથમાં મારા-તારાની લડાઈમાં બીજા જૂથને સીધો ફાયદો થયો છે. પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના એકદમ વિશ્વાસુ મનાતા અમદાવાદ શહેરના પૂર્વ શહેર પ્રમુખ જગદીશ પટેલને અમરાઈવાડી વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. જગદીશ પટેલની પસંદગીને કારણે કેન્દ્રીય નેતાઓએ પ્રદેશ ભાજપના નેતાઓને આચંકો આપ્યો છે.

અમરાઈવાડીના ધારાસભ્ય તરીકે હસમુખ પટેલ વર્ષ 2012 અને વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા હતા. ભાજપે તેમને ફિલ્મ અભિનેતા પરેશ રાવલના સ્થાને અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે ટિકિટ આપી હતી અને તેઓ સાંસદ બન્યા. આથી, અમરાઇવાડી બેઠક ખાલી પડતા, પેટા-ચૂંટણીમાં પાર્ટીના અનેક કાર્યકરો અને નેતાઓને ધારાસભ્ય થવાના કોડ જાગ્યા હતા.

આ બેઠક માટે પૂર્વ ડેપ્યુટી મેયર રમેશ દેસાઈ ,શહેર બીજેપીના મહામંત્રી કમલેશ પટેલ ,રમેશ કાંટાવાલા ,અસિત વોરા ,દિનેશ કુશવાહ ,અમુલ ભટ્ટ, મહેશ કસવાળા ,પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રવીણ પટેલ સહિતના નેતાઓને દાવેદારો માનવામાં આવતા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણી ઇચ્છતા હતા કે, અમરાઈવાડી બેઠક પરથી હાલ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટને મેદાન લડાવવામાં આવે. બીજી તરફ અમદાવાદ શહેર બીજેપી પ્રમુખ જગદીશ પંચાલ ની રમેશ દેસાઈ કે શહેર બીજેપી મહામંત્રી કમલેશ પટેલને લડાવવાની ઈચ્છા હતી. આ સિવાય, રાજય સરકારના એક પ્રધાન તેમના અંગત મનાતા રમેશ કાંટાવાળા કે પરેશ પટેલનેચૂંટણી લડાવવા માંગતા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.