લાખો શ્રધ્ધાળુઓની આસ્થાનું પ્રતિક એવા જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર સાથે સંકળાયેલા બે ટ્રસ્ટોની જમીન ચેરિટી કમિશનરની પૂર્વ મંજુરી વિના કાયમી ભાડાપટ્ટે આપવાના વિવાદ છેક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલય સુધી પહોંચ્યો છે. જગન્નાથ મંદિરની જમીન ગેરકાયદે કાયમી ભાડાપટ્ટે આપી દેવા અંગે ફરિયાદીએ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)માં ફરિયાદ કરી હતી તે સંદર્ભે PMO દ્વારા સમગ્ર મામલે સંબધિત ખાતાઓ પાસેથી જવાબ માગવામાં આવ્યો છે. ઉપરાંત પોલીસ વડાને પણ સમગ્ર મામલે તપાસ કરવાની સુચના આપવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.
શહેરના જમાલપુર જગન્નાથ મંદિર સાથે શ્રી નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટ અને શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ જોડાયેલા છે. આ બંને ટ્રસ્ટો પાસે બહેરામપુરા અને દાણીલીમડામાં ૧૨ સરવે નંબરોની કુલ ૨.૯૪ લાખ ચો.મી. જમીન છે. આ જમીન પૈકી નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટની રૂ.૮૦૦ કરોડની કિંમતની બહેરામપુરાના સરવે નંબર ૧૩૮ની ૧.૨૭ લાખ ચો.મી. જમીનનો વિવાદ સામે આવ્યો હતો. બહેરામપુરા સરવે નંબર ૧૩૮ની ૧.૨૭ લાખ ચો.મી. જમીન ચેરિટી કમિશનરની પૂર્વ મંજુરી વિના અને કલેકટરની અશાંત ધારાની મંજુરી વિના બિલ્ડર યાસિન ગનીભાઇ ઘાંચીને કાયમી ભાડાકરારથી આપી દેવાઇ હતી. ચેરિટી કમિશનરની પૂર્વ મંજુરી ન હતી છતાં જમીન એનએ થઇ હતી સાથે AMCએ પ્લાન પાસ કરી દીધા હતા પછી વિવાદ વધતાં AMCએ આ જમીનમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્કની રજાચીઠ્ઠી સ્થગિત કરી નાંખી છે તો બીજી તરફ ચેરિટી કમિશનરે પણ આ મુદ્દે કલેકટરને મહેસૂલી ફેરફારો ન કરવા તાકીદ કરી છે. આ મુદ્દે ૯મી જાન્યુઆરીએ વિવાદી જમીન અંગે સુનાવણી રાખી છે. બીજી તરફ ચેરિટી કમિશનરની મંજુરી ન હતી છતાં NAથી માંડીને પ્લાન પાસ સુધીની કાર્યવાહી કેવી રીતે થઇ ગઇ ? તે મુદ્દે પણ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા ACBમાં અરજી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.