જાહેરમાં થૂંકનારાને દંડ અથવા એક વર્ષની કેદ, દારુ-ગુટખા-તંબાકુના વેચાણ પર પ્રતિબંધ

 

કેન્દ્ર સરકારે લોકડાઉનનો સમય લંબાવ્યો છે, તે સાથે જ હવે કેટલાક આકરા નિયમો પણ જાહેર કર્યા છે. હવેથી જાહેરમાં જો કોઇ થૂંકશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત લોકોએ જાહેરમાં હવે માસ્ક પહેરવું પણ ફરજીયાત રહેશે. દારુનું વેચાણ, ગુટખા કે કોઇ પણ પ્રકારની તંબાકુના વેચાણ પર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

જાહેર રસ્તા પર છુંકનારાઓ પર ધ્યાન રાખવામાં આવશે, કોરોના વાઇરસ થૂંકવાથી પણ ફેલાતો હોય છે જેને પગલે આ નિર્ણય લેવો પડયો છે. ગૃહ મંત્રાલય દ્વારા બુધવારે જે નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે તેમાં આ જોગવાઇ કરવામાં આવી છે. આ પહેલા જોકે રાજ્ય સરકારો દ્વારા જ આ આકરા નિયમો જાહેર કરી દેવાયા છે જેમ કે મહારાષ્ટ્રમાં મુંબઇમાં જો કોઇ જાહેરમાં થુંકે તો તેને એક હજાર રૂપિયાના દંડની જોગવાઇ છે.

દિલ્હીમાં પણ આ જ પ્રકારના નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. બિહાર, ઝારખંડ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, હરિયાણા, નાગાલેન્ડ, આસામે પણ આ જ પ્રકારના નિયમોનું પાલન કરવાનો આદેશ બહુ સમય પહેલા જારી કરી દીધો હતો. જોકે હવે પુરા દેશમાં કેન્દ્ર સરકારે જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. એક સંશોધન મુજબ રસ્તા પર થુંકવાને કારણે વાઇરસ ફેલાઇ શકે છે, લોકોના ચપ્પલ અને જુતામાં આ ગંદગી ચોટી જાય છે જે બાદમાં કોરોના વાઇરસ ફેલાવાનું કારણ બની શકે છે.

સાથે જ સરકારે પુરા દેશમાં માસ્ક પહેરવું ફરજિયાત કરી દીધુ છે. જેની પાસે માસ્ક ન હોય તેઓ રુમાલ કે અન્ય કોઇ કપડાનો ઉપયોગ મો અને નાક ઢાંકવા માટે કરી શકે છે.  જે લોકો સરકારે જાહેર કરેલા પ્રતિબંધોનું પાલન નહીં કરે તેને જિલ્લા મેજિસ્ટ્રેટે કાયદા મુજબ નક્કી કરેલો દંડ ભરવાનો રહેશે અને આમ ન કરનારાને એક વર્ષની સજા થઇ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.