જાહેરનામાનો ભંગ કરી મસ્જિદની બહાર નમાઝ પઢતા 23 શખ્સો પકડાયા

 પેટલાદના ચાંગા અને પાડગોલ ગામમાં પોલીસના દરોડા

– ચાંગામાં વડોદરાના શખ્સોને વતન મૂકવાની સગવડ કરતા આઠ શખ્સોને ઝડપી કાર્યવાહી હાથ ધરી

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ચાંગા તેમજ પાડગોલ ગામે શુક્રવારના રોજ જાહેરનામાનો ભંગ કરી મસ્જીદ બહાર જુમ્માની નમાઝ પઢવા તેમજ એક શખ્શને વડોદરા જવાનું હોઈ તેની વ્યવસ્થા કરવા માટે એકઠા થયેલા કુલ ૨૩ જેટલા ઈસમોને મહેળાવ પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન ઝડપી પાડી તેઓ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલ ચાલી રહેલ લોકડાઉનને પગલે મહેળાવ પોલીસ ચાંગા ગામે બંદોબસ્તમાં તૈનાત હતી ત્યારે ગામની દૂધની ડેરી વિસ્તારમાં મસ્જિદ નજીક કેટલાક શખ્શોનું ટોળુ એકઠુ થયેલ જોવા મળ્યું હતું.

આ અંગે પોલીસ દ્વારા ત્યાં પહોંચી તપાસ હાથ ધરતા જુમ્માની નમાઝ અદા કરવા કેટલાક મુસ્લીમ બિરાદરો એકઠાં થયા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે લોકડાઉનના ભંગ કરી નમાઝ પઢવા એકત્ર થયેલ ઈલ્મુદ્દીન અજમુદ્દીન શેખ, ઉમરફારુક શબ્બીરમીંયા શેખ, આસીકમીયા રહેમુમીયા મલેક, ઈરફાનમીયા રહીમમીયા મલેક, અલ્પાકભાઈ આરીફભાઈ વ્હોરા, જુનેદ નુરમહંમદ શેખ, ઈરફાનભાઈ અબ્દુલરહીમ વ્હોરા, ફૈઝાનભાઈ યાસીનભાઈ વ્હોરા, જીવામીયા ભીખામીયા મલેક સહિત ૯ શખ્શોને ઝડપી પાડયા હતા. મહેળાવ પોલીસે તમામ વિરૂધ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય બનાવમાં ચાંગા ગ્રામ પંચાયત નજીકથી મહેળાવ પોલીસની ટીમે પેટ્રોલીંગ દરમ્યાન આઠ જેટલા વ્યક્તિઓને ઝડપી પાડયા હતા. જેમાં કાસમમીંયા મોહીદઆલમ પઠાણ (રહે.વડોદરા), સહેજાદ ઐયુબભાઈ વ્હોરા, સલમાન સહીદભાઈ ઘાંચીવ્હોરા, માહીર ઐયુબભાઈ વ્હોરા, મહંમદ રૈયાન સિકંદરભાઈ વ્હોરા, મોઈન સલીમભાઈ વ્હોરા, સદ્દામ સિકંદરભાઈ વ્હોરા અને મહંમદજુબેર ઉસ્માનભાઈ વ્હોરા (તમામ રહે.ચાંગા)નો સમાવેશ થાય છે.

આ લોકો કાસમમીંયા પઠાણ વડોદરાના રહેવાસી હોઈ તેઓને વડોદરા જવા સગવડ કરવા એકત્ર થયા હોવાનું ગેરવ્યાજબી કારણ પોલીસને જણાવતા પોલીસે ઉક્ત તમામ આઠ શખ્શો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ એક બનાવમાં પાડગોલ ગામે ગતરોજ રઝા મસ્જિદ ખાતે ઝુમ્માની નમાઝ અદા કરવા માટે મુન્તઝીર નુરમહંમદ મલેક (રહે.રાવલી), આરીફભાઈ અબ્દુલભાઈ વ્હોરા, સીંકદરમીંયા યુસુબમીયા બેલીમ, સાહેબખાન મમરેઝખાન પઠાણ, ઈમામખાન નસીરખાન પઠાણ, બીસ્મીલ્લામીયા ઈસુબમીયા બેલીમ સહિતના છ શખ્શો એકત્ર થયા હતા.

મસ્જિદ ખાતે નમાઝ પઢવા એકત્ર થયેલ તમામ શખ્શોને પોલીસે ઝડપી પાડી તમામ વિરૂધ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.