Jammu Kashmir Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લા સ્થિત સોનમર્ગ વિસ્તારમાં આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર કરતા સાત લોકોના મોત થયા છે. મૃતકોમાં પાંચ લોકો બહારના છે, જેમાં બે અધિકારી વર્ગના અને ત્રણ શ્રમિકોનો (Jammu Kashmir Terrorist Attack) સમાવેશ થાય છે. આ ઉપરાંત હુમલામાં એક ડૉક્ટરનું પણ મોત થયું છે અને પાંચ લોકોને ઈજા થઈ છે. અહીં એક ટનલનું બાંધકામ ચાલી રહ્યું છે, ત્યારે અચાનક આતંકવાદીઓ હથિયારો લઈને પહોંચી ગયા હતા અને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. હાલ ઘટનાસ્થળે સુરક્ષા દળો સહિત પોલીસનો કાફલો પહોંચી ગયો છે અને આતંકવાદીઓને પકડવા માટે આખા વિસ્તારને ઘેરી લેવાયો છે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી અને રાજ્યપાલ સહિતનાઓએ આ હુમલાની નિંદા કરી છે.
આખા વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે
પ્રારંભિક તપાસમાં એવી વિગતો સામે આવી છે કે, જે અધિકારીઓ અને શ્રમિકો મધ્ય કાશ્મીર અને ગાંદરબલ જિલ્લાને જોડતી જેડ મોડ ટનલ બાંધકામનું કામ કરી રહ્યા હતા, આતંકવાદીઓએ તેમને નિશાન બનાવ્યા છે. હાલ સુરક્ષા દળોની ટીમ આતંકવાદીઓને પકડી પાડવા આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહી છે. જમ્મુ-કાશ્મી પોલીસે ઘટના અંગે કહ્યું કે, હાલ આખા વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ આતંકી હુમલાની નિંદા કરી
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ફાયરિંગની ઘટના અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘સોનમર્ગ વિસ્તારના ગગનીરમાં પ્રવાસી શ્રમિકો પર કાયરતાપૂર્વક હુમલાની દુઃખદ ઘટના બની છે. આ શ્રમિકો વિસ્તારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. આ હુમલામાં બે લોકોના મોત થયા છે, જ્યારે બેથી ત્રણ લોકોને ઈજા થઈ છે. હું આ નિઃશસ્ત્ર નિર્દોષ લોકો પર થયેલા હુમલાની કડક શબ્દોમાં ટીકા કરું છું અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.’
પ્રવાસી શ્રમિકો પર આતંકીઓના હુમલા યથાવત્
આતંકી હુમલામાં ઈજા થયેલા શ્રમિકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઈજાગ્રસ્તોમાંથી પંજાબના રહેવાસી ગુરમીત સિંહનું મોત થયું છે. આ ઉપરાંત બિહારના એક અને ત્રણ સ્થાનિકના પણ મોત થયા છે.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા પણ આતંકવાદીઓએ શ્રમિકો પર હુમલો કર્યો હતો, જેમાં બિહારના એક શ્રમિકની કથિત હત્યા કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસી શ્રમિકો પર હુમલાની ઘટનાએ ચિંતા વધારી દીધી છે. એપ્રિલ મહિનામાં પણ બે પ્રવાસી શ્રમિકોની હત્યા કરવામાં આવી હતી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.