જમ્મુ કાશ્મીરના ઘાયલ ભાજપી નેતા અબ્દુલ હમીદ નાજરનું અવસાન, આતંકવાદીઓએ કર્યો હતો હુમલો

– બડગામ પોલીસે મૃત્યુના સમાચારને સમર્થન આપ્યું

જમ્મુ કશ્મીરના બડગામ વિસ્તારના ભાજપી નેતા અબ્દુલ હમીદ નાજરનું આજે સવારે હૉસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું હતું.

રવિવારે આતંકવાદીઓએ એમના પર ગોળીબાર કર્યા હતા અને એમને તત્કાળ સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અથાક પ્રયાસો પછી પણ ડૉક્ટરો તેમને બચાવી શક્યા નહોતા. આતંકવાદીઓ સામે ભારતીય લશ્કર દ્વારા લેવાઇ રહેલા કડક પગલાંને લીધે હવે આતંકવાદીઓ જમ્મુ કશ્મીરના વિવિધ પક્ષના નેતાઓને  શિકાર બનાવી રહ્યા હતા. ગયા સપ્તાહે કોંગ્રેસના એક અને ભાજપના એક એમ બે સરપંચને ઠાર કરવામાં આવ્યા હતા. રવિવારે નાજર પર હુમલો થયો હતો. નાજર ભાજપના ઓબીસી (પછાત વર્ગના ) નેતા હતા.

રવિવારે સવારે નાજર રોજની જેમ મોર્નિંગ વૉક કરવા નીકળ્યા હતા ત્યારે આતંકવાદીઓએ તક ઝડપીને એમના પર ગોળીબાર કર્યા હતા. પોલીસે કહ્યું કે રવિવારે સવારે નાજર પોતાના બોડીગાર્ડઝ્ને લીધા વિના નીકળ્યા હતા એટલે આતંકવાદીઓને સરસ તક મળી ગઇ હતી. બડગામ રેલવે સ્ટેશન પાસે તેમણે નાજર પર ગોળીબાર કર્યો હતો. જો કે હજુ સુધી કોઇ આતંકવાદી જૂથે નાજર પરના હુમલાની જવાબદારી સ્વીકારી નહોતી. છેલ્લા પંદરેક દિવસમાં આતંકવાદીઓ દ્વારા રાજકીય કાર્યકરો અને નેતાઓ પરનો આ ત્રીજો હુમલો હતો.

જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ રદ થયાને એક વર્ષ વીતી ગયું પરંતુ  જમ્મુ કશ્મીરમાં હજુ પણ આતંકવાદી હુમલા અટક્યા નથી કે આતંકવાદીઓેની ઘુસણખોરી અટકી નથી. પોલીસ અને ભારતીય લશ્કર અથાક પ્રયાસો કરી રહ્યા હતા.

એક લશ્કરી અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે સ્થાનિક લોકોના ટેકા વગર આતંકવાદીઓ આ રીતે હુમલો કરી શકે નહીં.  સૌ પહેલાં સ્થાનિક લોકોને વિશ્વાસમાં લેવાની તાતી જરૂર હતી. સ્થાનિક પ્રજાનો વિશ્વાસ જીતી શકાય તો જ આતંકવાદી હુમલા બંધ થઇ શકે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.