જમ્મુ કશ્મીર હાઇકોર્ટમાં રાજ્ય સરકારની રજૂઆત, નેશનલ કોન્ફરન્સના નેતાઓ અટકાયતમાં નથી

જમ્મુ કશ્મીર વહીવટી તંત્રે જમ્મુ કશ્મીર હાઇકોર્ટમાં કહ્યુ્ં હતું કે નેશનલ કોન્ફરન્સના કોઇ કહેતાં કોઇ નેતા કે કાર્યકર અટકાયતમાં નથી. નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ડૉ્ક્ટર ફારુખ અબ્દુલ્લા અને ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ  હાઇકોર્ટમાં  હેબિયસ કોર્પસ અરજી કરી હતી કે અમારા કેટલાક નેતા-કાર્યકરોને અટકાયતમાં લેવાયા છે એમને મુક્ત કરવાનો આદેશ આપો.

એની સામે રાજ્ય સરકારે એવી રજૂઆત કરી હતી કે કેટલાક લોકોને તેમની સલામતીને ધ્યાનમાં રાખીને અમુક નિયંત્રણો સાથે હરવા ફરવાની છૂટ છે. કોઇને અટકાયતમાં લેવામાં આવ્યા નથી. રાજ્ય સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ બશીર અહમદ ડારે કોર્ટને કહ્યું હતું કે કોઇની સામે કોઇ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી કરવામાં આવી નથી કે એ દિશામાં વિચાર સુદ્ધાં કરવામાં આવ્યો નથી. આ અરજી બિનજરૂરી ટેન્શન વધારવાનો અને વહીવટી તંત્ર પર ખોટું દબાણ વધારવાનો એક પ્રયાસ છે.

જમ્મુ કશ્મીરના પોલીસ વડાએ પણ અત્યાર અગાઉ હાઇકોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે ગયા વરસે બંધારણીય જોગવાઇમાં કરાયેલા કેટલાક ફેરફારના પગલે પોલીસને અને રાજ્ય સરકારને એવી શંકા હતી કે કેટલાક દ્વેષપૂર્ણ લોકો કાયદો અને વ્યવસ્થા જોખમાય એવી રીતે સ્થાનિક પ્રજાને ઉશ્કેરવાનો પ્રયાસ કરશે. એટલા માટે કેટલાક લોકો સામે પગલાં લેવાની ફરજ પડી હતી. પોલીસ વડાએ એમ પણ કહ્યું હતું કે કોઇ પણ નેતા કે કાર્યકર સામે કાયદાની કોઇ કલમ લાગુ પાડવામાં આવી નથી કે તેમને અટકાયતમાં લેવાયા નથી. માત્ર તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમના પર કેટલાક નિયંત્રણ લાદવામાં આવ્યા હતા.

ડૉક્ટર ફારુખ અબ્દુલ્લાએ 11મી ઑગષ્ટે જમ્મુ કશ્મીર હાઇકોર્ટમાં એવી અરજી કરી હતી કે મારા પક્ષના ઓછામાં ઓછા 16 નેતાઓ વિના કારણે અટકાયતમાં લેવાયા છે.  તેમને તત્કાળ મુક્ત કરવાનો આદેશ કોર્ટે આપવો. એના જવાબમાં  રાજ્યના વહીવટી તંત્રે આ સ્પષ્ટતા કરી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.