દ ર ત્રણ વર્ષે આવતો અધિક માસ આ વર્ષે એટલે કે વિ.સ. ૨૦૭૬નો આસો અધિક સુદ એકમથી પ્રારંભ થાય છે. આપણે ત્યાં અધિક માસ. શ્રાવણના મહિના જેટલો પવિત્ર ગણાયો છે. એમાંય ભારતીય નારીઓ પુરુષોત્તમ માસમાં કાંઠાગોરનું પૂજન અવશ્ય કરે છે એની પાછળ નારીઓમાં એવી શ્રદ્ધા ભાવના કામ કરે છે કે શ્રી કાંઠાગોરની સાક્ષીએ થતા વ્રત, નિયમ, ઉપવાસ, જપ-તપ-દાન-પુણ્ય ખૂબ સુંદર અધિક ફળ આપનારા છે.
તે આ કાંઠાગોર વ્રત શું છે ? કાંઠો એટલે નદી કિનારો. ગોર એટલે ગૌરી. અર્થાત નદી કિનારાનાં દેવી માતા પ્રાચીન ઋષિકાળમાં દરેક નાના મોટા ગામોમાં લોકો નદી કે તળાવ કિનારે કે ઝરણા પાસે માટી કે રેતીના ઢગલા વડે કાંઠાગોરની મૂર્તિ બનાવતા. જેનું બહેનો નિયમિત ભાવપૂર્વક પૂજન કરતા.
કાંઠાગોરના પૂજન પાછળ ગૂઢ રહસ્ય છુપાયેલું છે. કાંઠાગોરના ‘પૂજન’ પ્રારંભમાં પાંચ ઢગલીઓ ગોઠવવાની પરંપરા ચાલી આવે છે ત્યારે પ્રશ્ન થાય છે કે પાંચ ઢગલી શા માટે ?
જગદ્ગુરુ શંકરાચાર્યજીએ શરૂઆતમાં પંચદેવની ઉપાસનાની પ્રણાલી પ્રસ્થાપિત કરેલી. જેમાં નિત્ય ગૃહપૂજામાં મુખ્ય પાંચ દેવતા જેમ કે શ્રીગણેશજી, શિવજી, શ્રી હરિવિષ્ણુ, આદ્યશક્તિમાં અંબા તથા સૂર્યદેવનું પૂજન અર્ચન કરવાનું વિધાન છે. કાંઠાગોરની આ પાંચ ઢગલી પંચદેવનાં પ્રતિક સમાન છે. એથીય આગળ જોઈએ તો પંચદેવનાં પટરાણી શ્રીલક્ષ્મી તેમની દેવીઓનાં આ સ્વરૂપો પણ કહી શકાય.
વિશેષમાં પૃથ્વી પર મુખ્યત્વે પંચતત્વ ધરતી, જળ, વાયુ, આકાશ અને અગ્નિ ગણાયા છે. જે પણ આ પાંચ ઢગલી તેના પ્રતિકરૂપે ગોઠવવામાં આવે છે. મનુષ્યનો દેહ પણ આ પંચમહાભૂત તત્વનો બનેલો છે. જે ઈશ્વરને પૃથ્વીને આપેલી ઉત્તમ ભેટ મનાયી છે. તેથી ઈશ્વરનાં પ્રતિનિધિત્વ એવા અંશ એવા પંચમહાભૂતતત્ત્વનું પૂજન કાંઠાગોર સ્વરુપમાં કરવામાં આવે છે.
ભારતીય સંસ્કૃતિમાં મુખ્યત્વે ચારેય દિશામાં પવિત્ર યાત્રાધામ આવેલા છે. જેવા કે ઉત્તરમાં બદ્રીનાથ, કેદારનાથ, પશ્ચિમમાં દ્વારકાધીશ, દક્ષિણમાં રામેશ્વર, પૂર્વમાં જગન્નાથપુરી અને મધ્યમા ગોવર્ધન પર્વત, આ બધાનાં પ્રતિક લઈને કાંઠાગોરની પૂજા થાય છે.
આ શરીરની પાંચ કર્મેન્દ્રિય દ્વારા હંમેશા સદ્કાર્યો તથા સતકર્મો થતા રહે તેવી ભાવના સાથે, કાંઠાગોરની પાંચ ઢગલીની પૂજા કરવામાં આવે છે. આમ નારીઓ માટેના વટ-સાવિત્રીનાં વ્રતની જેમ પુરુષોત્તમ માસમાં કરવામાં આવતું. કાંઠાગોરના પૂજનથી તેમનાં પતિ તથા પરિવારને રક્ષણ આપીને તેના નારીત્વ ગૌરવ પામે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.